JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

રાજકોટ RTO કચેરીમાં જપ્તી વોરંટ: ૪૦ વર્ષ જૂના ૧.૩૧ કરોડના લેણાં વસૂલવા કોન્ટ્રાક્ટર કોર્ટના અધિકારીઓ સાથે પહોંચ્યા

રાજકોટ RTO કચેરીમાં જપ્તી વોરંટ: ૪૦ વર્ષ જૂના ૧.૩૧ કરોડના લેણાં વસૂલવા કોન્ટ્રાક્ટર કોર્ટના અધિકારીઓ સાથે પહોંચ્યા
રાજકોટમાં ૧૯૮૨ના બાકી પેમેન્ટ અને વ્યાજ સહિત રૂ. ૧.૩૧ કરોડની વસૂલાત માટે ચાર દાયકાની કાનૂની લડત બાદ સિવિલ અદાલતે જપ્તી વોરંટ જારી કર્યું છે, જેના અમલીકરણ માટે કોર્ટની ટીમ RTO કચેરી પહોંચી હતી.

રાજકોટના રીગલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજથી ચાર દાયકા અગાઉ એટલે કે વર્ષ ૧૯૮૨માં સરકારને પૂરા પાડવામાં આવેલા બે ફુલ્લી ઓટોમેટિક વે-બ્રિજના બાકી પેમેન્ટની વસૂલાત માટેનો મામલો અત્યારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. અરજદાર વિજય જમનભાઈ વડાલિયાના જણાવ્યા અનુસાર, આ પેમેન્ટ મેળવવા માટે તેમને લાંબી અને અથાક કાનૂની લડત લડવી પડી હતી. રાજકોટ સિવિલ કોર્ટથી શરૂ થયેલી આ ન્યાયિક પ્રક્રિયા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લંબાઈ હતી. વિવિધ અદાલતોમાં સરકારી અપીલો ફગાવાયા બાદ, વર્ષ ૨૦૨૪માં ગુજરાત હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ એક્ટ અને ઇન્ટરેસ્ટ એક્ટની જોગવાઈઓ મુજબ વ્યાજ સહિતની બાકી રકમ ચૂકવવાનો સ્પષ્ટ અને આખરી આદેશ કર્યો હતો.

હાઈકોર્ટના આદેશ અને એડવોકેટ વી.કે. પીઠવાના માધ્યમથી દાખલ કરાયેલી સ્પેશિયલ દિવાની દરખાસ્તના આધારે, અત્યાર સુધીની વ્યાજ સહિતની કુલ વસૂલાતપાત્ર રકમ વધીને રૂ. ૧,૩૧,૮૮,૯૯૨ પર પહોંચી છે. અગાઉ અનેકવિધ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશાસન દ્વારા નાણાં ચૂકવવામાં ન આવતા અંતે રાજકોટ સિવિલ કોર્ટે કડક પગલું ભરીને જપ્તી વોરંટ જારી કર્યું હતું. આ વોરંટની અમલવારી કરવા માટે કોર્ટના અધિકારીઓ સીધા રાજકોટ RTO કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જંગમ (મૂવેબલ) મિલકતોની જપ્તી અંગેની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અરજદાર વિજયભાઈએ સરકારની નીતિ સામે ભારે રોષ અને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૪૦ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેમને ભારે આર્થિક અને માનસિક સંતાપ સહન કરવો પડ્યો છે. એક તરફ સરકાર એમએસએમઈ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની અને ૩૦ દિવસમાં પેમેન્ટ ચૂકવવાની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ અદાલતના સ્પષ્ટ આદેશો હોવા છતાં વર્ષો સુધી નાણાં ચૂકવવામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે. જો કે, હાલ RTO અધિકારીઓએ હેડ ઓફિસની મંજૂરી મેળવીને આગામી ૧૫ દિવસમાં નિયમાનુસાર પેમેન્ટ ચૂકવી દેવાની કે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES