એઆઈ (AI) જગતમાં ઓપન-સોર્સ મોડેલ્સના ભવિષ્યને લઈને વિવાદોનું જોર વધી રહ્યું છે, જેમાં ટ્યુરિંગ એવોર્ડ વિજેતા અને જાણીતા વૈજ્ઞાનિક યાને લેકુને એન્થ્રોપિક કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ડારિયો એમોડી સામે મોરચો ખોલ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક જૂના વીડિયોના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા લેકુને આક્ષેપ કર્યો છે કે એમોડી છેલ્લા કેટલાક વર્ષોથી એઆઈના જોખમો અંગે ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે જેથી ઓપન મોડેલ્સ ગેરકાયદેસર બને અને બજાર પર તેમનો એકાધિકાર જળવાઈ રહે. લેકુને આ વલણની સરખામણી ઓટોમન સામ્રાજ્ય દ્વારા અરબી ભાષામાં પ્રિન્ટિંગ પ્રેસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સાથે કરી હતી, જેનો ઉદ્દેશ્ય સામાન્ય જ જનતાને વિવિધ પ્રકારના જ્ઞાનથી વંચિત રાખવાનો હતો.
આ વિવાદની શરૂઆત ૨૦૨૩માં યુએસ સેનેટ સબકમિટી સમક્ષ એમોડી દ્વારા કરવામાં આવેલી રજૂઆતથી થઈ હતી, જેમાં તેમણે તર્ક આપ્યો હતો કે ઓપન-સોર્સ એઆઈ અત્યંત જોખમી માર્ગે જઈ રહ્યું છે. ક્લોઝ્ડ મોડેલ્સ ચલાવતી કંપનીઓ તેના ઉપયોગ પર નજર રાખી શકે છે અને જોખમી તત્વોને અટકાવી શકે છે, પરંતુ એકવાર ઓપન મોડેલ રિલીઝ થઈ જાય પછી તેને પાછું ખેંચી શકાતું નથી. જોકે, લેકુનનું માનવું છે કે જીપીટી-૨ (GPT-2)ના સમયથી જ એમોડીની આ રણનીતિ રહી છે. લેકુનના જણાવ્યા અનુસાર, એમોડીએ કંટ્રોલ મેળવવાના હેતુથી જ અગાઉ ઓપનએઆઈ (OpenAI) છોડ્યું હતું અને બાદમાં એન્થ્રોપિકની સ્થાપના કરી હતી.
બીજી બાજુ, એન્થ્રોપિક અને ડારિયો એમોડીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે ક્યારેય પણ ઓપન-વેઇટ્સ મોડેલ્સ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગણી કરી નથી. એમોડીના મતે, જોખમી ક્ષમતાઓ વિનાના ઓપન મોડેલ્સ જાહેર હિતમાં છે, પરંતુ સુરક્ષાના ધોરણો અને ગાર્ડરેલ્સ વિના તેને ખુલ્લા મૂકવા જોખમી સાબિત થઈ શકે છે. આ વિવાદ વચ્ચે ટેકનોલોજી જગતમાં ઓપન-સોર્સ અને ક્લોઝ્ડ-સોર્સ એઆઈના ભવિષ્યને લઈને ચર્ચાઓ તીવ્ર બની છે, જ્યાં એક તરફ ટેક કંપનીઓ પોતાના વ્યાપારી હિતો અને સુરક્ષા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ વૈજ્ઞાનિકો વચ્ચે ખુલ્લા જ્ઞાનના પ્રસારને લઈને વૈચારિક મતભેદો સામે આવી રહ્યા છે.
