JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

માઈક્રોસોફ્ટના વૈશ્વિક આઉટેજ પાછળ ચાર મહિના જૂનું સોફ્ટવેર અને નેટવર્ક ટ્રાફિક જવાબદાર: બ્રેડ સ્મિથ

માઈક્રોસોફ્ટના વૈશ્વિક આઉટેજ પાછળ ચાર મહિના જૂનું સોફ્ટવેર અને નેટવર્ક ટ્રાફિક જવાબદાર: બ્રેડ સ્મિથ
માઈક્રોસોફ્ટના તાજેતરના વૈશ્વિક આઉટેજ પાછળ કોઈ સાયબર હુમલો કે એઆઈ નહીં પરંતુ સોફ્ટવેર અપડેટ્સનું જટિલ પરસ્પર જોડાણ હતું તેમ પ્રમુખ બ્રેડ સ્મિથે સ્પષ્ટ કર્યું છે. આ ઘટનાને કારણે ગ્રાહકોને થયેલી અગવડ બદલ તેમણે દિલગીરી વ્યક્ત કરી આગામી સમયમાં પણ સાવચેત રહેવા ચેતવણી આપી છે.

તાજેતરમાં માઈક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલી વૈશ્વિક ખામી અને આઉટેજ મુદ્દે કંપનીના પ્રમુખ બ્રેડ સ્મિથે વિગતવાર ખુલાસો કર્યો છે. ગત ૧૨ નવેમ્બરથી શરૂ થયેલી આ ટેકનિકલ સમસ્યા લગભગ ૨૪ કલાક સુધી ચાલી હતી, જેના કારણે વિશ્વભરના માઈક્રોસોફ્ટ ૩૬૫ના ગ્રાહકો તેમના આઉટલુક મેઈલબોક્સ ખોલવામાં કે ઈમેઈલ મોકલવા-મેળવવામાં અક્ષમ બન્યા હતા. આ ઉપરાંત, ટીમ્સ અને કોપાઈલોટના કેટલાક ફિચર્સને પણ તેની માઠી અસર પહોંચી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને બ્રેડ સ્મિથે એક મુલાકાતમાં સાર્વજનિક રૂપે ગ્રાહકોની માફી માંગી હતી અને આ દુર્ઘટનાને 'પરફેક્ટ સ્ટોર્મ' એટલે કે સોફ્ટવેર અપડેટ્સ અને નેટવર્ક ટ્રાફિકના અણધાર્યા સુમેળ તરીકે ગણાવી હતી.

કંપનીના આંતરિક અહેવાલને ટાંકીને સ્મિથે સ્પષ્ટ કર્યું હતું કે આ આઉટેજ પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કે કોઈ સાયબર હુમલો જવાબદાર નહોતો. વાસ્તવમાં, ચાર મહિના અગાઉ કરવામાં આવેલા સોફ્ટવેર અપડેટ અને તાજેતરના નવા અપડેટ તથા નેટવર્ક ટ્રાફિકમાં આવેલા બદલાવ વચ્ચે અરસપરસ તકનીકી ખામી સર્જાઈ હતી. એક્સચેન્જ ઓનલાઈન ઈમેઈલ સર્વિસના સર્વરમાં જુલાઈ મહિનાથી વણશોધાયેલી રહેલી વિન્ડોઝની એક ખામી આ સમગ્ર મુશ્કેલીનું મૂળ કારણ હતી. માઈક્રોસોફ્ટે આ મામલે સંપૂર્ણ પારદર્શિતા જાળવીને છેલ્લા દસ દિવસમાં બે રિપોર્ટ પ્રકાશિત કર્યા છે અને મિનિટ-બાય-મિનિટની વિગતો જાહેર કરી છે. કંપનીએ સમસ્યાના નિવારણ માટે પહેલેથી જ નવ પગલાં ભરી લીધા છે અને ભવિષ્યમાં આવા પ્રશ્નો ન સર્જાય તે માટે વધુ તેર પગલાં ભરવાની તૈયારી ચાલી રહી છે.

વધુમાં, આધુનિક ટેકનોલોજીની જટિલતાઓ વિશે વાત કરતા બ્રેડ સ્મિથે ચેતવણી આપી હતી કે આગામી મહિનાઓમાં પણ આ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડશે કારણ કે વૈશ્વિક સ્તરે માહિતી માળખાનું અપગ્રેડેશન રાતોરાત પૂરું થઈ શકે નહીં. એઆઈના કારણે કોડ્સમાં રહેલી નબળાઈઓ શોધવી સરળ બની છે, જેના પરિણામે તકનીકી સંસ્થાઓ અને હેકરો વચ્ચે કોડ પેચિંગની હરીફાઈ ચાલી રહી છે. જૂની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી પેચિંગના દબાણને કારણે પરીક્ષણ માટે ઓછો સમય મળવાથી જોખમ વધે છે. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે તમામ યુઝર્સને તેમના ઉપકરણો પર સમયસર પેચ અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા, આઈટી ટીમોની પદ્ધતિઓ બદલવા અને સરકારી તેમજ ટેકનોલોજી ક્ષેત્ર વચ્ચે પરસ્પર સહયોગ વધારીને થ્રેટ ઇન્ટેલિજન્સ શેર કરવા પર ભાર મૂક્યો હતો.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES