JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

ગાયિકા અનન્યા બિરલાનું ફિલ્મ નિર્માણમાં ધમાકેદાર પદાર્પણ, ગુજરાતી કોમેડી 'રફ એન્ડ ટફ કન્યા' સાથે કરી શરૂઆત

ગાયિકા અનન્યા બિરલાનું ફિલ્મ નિર્માણમાં ધમાકેદાર પદાર્પણ, ગુજરાતી કોમેડી 'રફ એન્ડ ટફ કન્યા' સાથે કરી શરૂઆત
જાણીતી ગાયિકા અને ઉદ્યોગસાહસિક અનન્યા બિરલાએ પોતાના પ્રોડક્શન હાઉસ 'બિરલા સ્ટુડિયોઝ' હેઠળ ગુજરાતી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા' દ્વારા સિનેમા જગતમાં નિર્માતા તરીકે એન્ટ્રી કરી છે. ખાસ વાત એ છે કે સ્ક્રિપ્ટ સાંભળતી વખતે જ માત્ર એક જ મીટિંગમાં તેમણે આ મજેદાર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી.

જાણીતી ગાયિકા, યુથ આઇકોન અને સફળ ઉદ્યોગસાહસિક અનન્યા બિરલાએ હવે મનોરંજન જગતમાં વધુ એક મોટું પગલું ભરતા પોતાના નવા બેનર 'બિરલા સ્ટુડિયોઝ' દ્વારા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કદમ રાખ્યા છે. પોતાના પ્રોડક્શન ડેબ્યુ માટે તેમણે હિન્દી કે અન્ય ભાષાને બદલે પ્રાદેશિક સિનેમા અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી કોમેડી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'ની પસંદગી કરી છે. 'બિગ બોક્સ સિરીઝ'ના સહયોગથી ગત 20 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ અનન્યા માટે અત્યંત ખાસ છે. તેમની ટીમ દ્વારા મળતી માહિતી મુજબ, અનન્યાને આ પ્રોજેક્ટ સાથે જોડાવવા માટે માત્ર એક જ બેઠક પૂરતી હતી. જ્યારે તેમને આ ફિલ્મની વાર્તા અને પટકથા સંભળાવવામાં આવી ત્યારે તેઓ પોતાનું હસવું રોકી શક્યા ન હતા અને તક્ષણ જ આ પારિવારિક એન્ટરટેઇનર ફિલ્મ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો.

આ ફિલ્મની વાર્તા અત્યંત મનોરંજક અને પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી છે, જે દર્શકોને પેટ પકડીને હસાવવા માટે મજબૂર કરે છે. ફિલ્મની પ્લોટ લાઇન એક ઓવરપ્રોટેકિટવ પિતા શિવ પંડિત અને તેમની વહાલી દીકરી છવિની આસપાસ વણાયેલી છે. પિતા શિવ પંડિત પોતાની દીકરીને જરાય આંખોથી દૂર કરવા માંગતા નથી, પરંતુ મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે તેમને ખબર પડે છે કે છવિ એક એવા યુવાનના પ્રેમમાં છે જેને નાની-નાની બાબતોમાં પણ ખૂબ જ ગુસ્સો આવી જાય છે. દીકરીનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે ચિંતિત પિતા એક અનોખી શરત મૂકે છે અને નક્કી કરે છે કે તેઓ પોતે ૩૦ દિવસ માટે દીકરીના ભાવિ સાસરે જઈને રહેશે. આ શરત મુજબ જો આ ૩૦ દિવસ દરમિયાન છોકરો કે તેનો પરિવાર જરાય ગુસ્સો કરશે તો આ સંબંધ આગળ નહીં વધે.

આ ૩૦ દિવસો દરમિયાન જમાઈને ઉશ્કેરવા અને તેને ગુસ્સો અપાવવા માટે પિતા જે અવનવી અને રમૂજી તરકીબો અજમાવે છે, તે સિનેમાઘરોમાં કોમેડીનું એક અસલી તોફાન સર્જે છે. જો દર્શકો પરિવાર સાથે સમય વિતાવવા અને ભરપૂર મનોરંજન મેળવવા માંગતા હોય, તો આ ફિલ્મ એકદમ હટકે અને અનોખો અનુભવ પૂરો પાડે છે. અનન્યા બિરલા જેવા યુવા અને પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકનું ગુજરાતી સિનેમા સાથે જોડાવું એ પ્રાદેશિક ફિલ્મોના વધી રહેલા વ્યાપ અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે, જે આગામી સમયમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES