હિન્દી સિનેમાના સુવર્ણ કાળની અદ્ભુત ગાયિકા ગીતા દત્ત (મૂળ નામ: ગીતા રોય ચૌધરી)નો જન્મ ૨૩ નવેમ્બર, ૧૯૩૦ના રોજ પૂર્વ બંગાળના ફરીદપુર જિલ્લાના ઈદલાપુર ગામમાં થયો હતો. તેમના પિતા દેવેન્દ્ર નાથ ચૌધરી જમીનદાર હતા અને માતા અમાયા રોય ચૌધરીને સંગીત તથા કવિતા પ્રત્યે ભારે લગાવ હતો. દસ ભાઈ-બહેનોમાંના એક ગીતાજીને સંગીતનો વારસો પોતાની માતા પાસેથી મળ્યો હતો. સન ૧૯૪૨માં તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થયો, જ્યાં તેમણે એંગ્લો બંગાળી સ્કૂલમાં અભ્યાસ કરવાની સાથે પંડિત હિરેન્દ્રનાથ ચૌધરી પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. તેમના ઘેર આવતા જતા સંગીતકાર હનુમાન પ્રસાદે તેમની પ્રતિભા ઓળખીને તેમને ફિલ્મોમાં ગાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સંગીતકાર હનુમાન પ્રસાદના માર્ગદર્શન હેઠળ ગીતાજીએ ૧૯४૬માં આવેલી ફિલ્મ 'ભક્ત પ્રહલાદ' દ્વારા પ્લેબેક સિંગર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમની પાસે માત્ર બે જ પંક્તિઓ હતી. પરંતુ, સાડા ત્રણ દાયકા લાંબી આ સફરમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ૧૯૪૭માં રિલીઝ થયેલી ફિલ્મ 'દો ભાઈ'માં એસ.ડી. બર્મનના સંગીતબદ્ધ થયેલું ગીત "મેરા સુંદર સપના બીત ગયા" અપાર સફળતા પામ્યું. આ એક જ ગીતે તેમને રાતોરાત દેશભરમાં સ્ટાર બનાવી દીધા. ત્યારબાદ "બાબુજી ધીરે ચાલના", "જાને કહાં મેરા જીગર ગયા જી" અને "વક્તને કિયા કયા હસી સિતમ" જેવા એક પછી એક અદ્ભુત ગીતો આપીને તેમણે સંગીત જગતમાં પોતાની અનોખી અને કાયમી ઓળખ સ્થાપિત કરી.
વ્યક્તિગત જીવનની વાત કરીએ તો, ૧૯૫૩માં તેમણે પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ગુરુ દત્ત સાથે લગ્ન કર્યા અને પોતાનું નામ ગીતા દત્ત રાખ્યું. આ કલાત્મક જોડીએ હિન્દી સિનેમાને અનેક યાદગાર ફિલ્મી નજરાણાં આપ્યા. પ્લેબેક ગાયિકા તરીકે તેમની છેલ્લી ફિલ્મ ૧૯૭૧માં આવેલી 'અનુભવ' હતી. માત્ર ૪૧ વર્ષની ટૂંકી વયે ૨૦ જુલાઈ, ૧૯૭૨ના રોજ મુંબઈમાં લીવર સિરોસિસના કારણે તેમનું દુઃખદ અવસાન થયું હતું. ભલે તેઓ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અવાજમાં રહેલી જાદુઈ તાકાત અને સદાબહાર ગીતો આજે પણ સંગીત રસિકોના હૃદયમાં અમર છે.
