JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગર પંથકમાં કાળમુખા અકસ્માતોનો સિલસિલો: ઠેબા બાયપાસ અને ખટીયા પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે નિર્દોષ જીવ હોમાયા

જામનગર પંથકમાં કાળમુખા અકસ્માતોનો સિલસિલો: ઠેબા બાયપાસ અને ખટીયા પાટીયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે નિર્દોષ જીવ હોમાયા
જામનગર પંથકમાં તાજેતરમાં બનેલી જુદી જુદી માર્ગ અકસ્માતની ત્રણેય ગંભીર ઘટનાઓમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

જામનગર નજીક આવેલા ઠેબા બાયપાસ ચોકડી વિસ્તારમાં ગત તા. ૨૫ ના રોજ બપોરે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. પંડિત નેહરૂ માર્ગ પરના હિંમતનગરમાં રહેતા ઘનશ્યામભાઈ આસરા પોતાના પત્ની ઇન્દુબેન સાથે મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્વીફ્ટ મોટરના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દંપતી બાઈક પરથી ફંગોળાઈને નીચે પટકાયું હતું, જેમાં ગંભીર ઇજાઓ પામેલા ૫૩ વર્ષીય ઇન્દુબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગભાઈ આસરાએ પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ જ પ્રકારની બીજી એક દુર્ઘટના જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા ખટીયા ગામના પાટીયા પાસે શુક્રવારે રાત્રે ઘકાઈ હતી. જાખર ગામમાં રહેતા ભરતસિંહ રણજીતસિંહ ચુડાસમા નામના યુવાન પોતાનું મોટરસાયકલ લઈને પરિશ્રમ હોટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ટોયોટો ગ્લાન્ઝા મોટરના ચાલકે તેમને હડફેટે લીધા હતા. મોટરની ગંભીર ટક્કરના કારણે બાઈક ચાલક ભરતસિંહ ફંગોળાઈને દૂર પડ્યા હતા અને તેમને ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જે મામલે મૃતકના ભાઈ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલા ચાલકની શોધખોળ શરૂ કરી છે.

ત્રીજી ઘટનામાં જોડીયાના વાવડી ગામ પાસે બેસતા વર્ષની સાંજે એક મિનિ ટ્રક બેફિકરાઈથી ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો હતો. ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા પાલજીભાઈ પરમાર તેમજ અન્ય બે યુવાનો માણેકપર રોડ પર આવેલા ભઠામાંથી ઈંટો ભરીને મિનિ ટ્રકમાં હડીયાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ગોથું ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં પાલજીભાઈનો પગ ભાંગી ગયો હતો અને અન્ય બે સાથીદારોને પણ ઈજાઓ પહોંચી હતી, જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પાલજીભાઈએ ટ્રક ચાલક અનિલભાઈ વાઘેલા વિરુદ્ધ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES