JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

દેવદિવાળીની રાત્રે જામનગરમાં આતશબાજી વચ્ચે ચાર સ્થળે આગના બનાવોથી દોડધામ મચી

દેવદિવાળીની રાત્રે જામનગરમાં આતશબાજી વચ્ચે ચાર સ્થળે આગના બનાવોથી દોડધામ મચી
જામનગરમાં દેવદિવાળીના પર્વ પર ફટાકડાના કારણે અચાનક આગ ફાટી નીકળવાની ચાર અલગ-અલગ ઘટનાઓ બની હતી. ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરીને તમામ સ્થળો પર આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

શનિવારે દેવદિવાળીના પવિત્ર અવસરે જામનગરમાં લોકોએ ઉત્સાહભેર આતશબાજી કરી હતી, પરંતુ આ ઉજવણી કેટલાક સ્થળોએ મુશ્કેલીનું કારણ બની હતી. શહેરમાં ફટાકડાના તણખા કે સળગતા ફટાકડા પડવાથી ચાર અલગ-અલગ જગ્યાએ આગ ભભૂકી ઉઠી હતી. અગાઉથી જ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હોવાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સાબધી થઈ ગઈ હતી અને સતત દોડધામ કરતી જોવા મળી હતી. આ બનાવના કારણે સ્થાનિક વિસ્તારોમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સૌથી મોટો બનાવ રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ પાસે બન્યો હતો, જ્યાં બે આસામીઓ દ્વારા બાંધવામાં આવેલા વિવિધ સામગ્રીના મંડપમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લાખો રૂપિયાનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. આ ભયાનક આગને કાબૂમાં લાવવા માટે ફાયર બ્રિગેડના બે વાહનોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવા પડ્યા હતા. આ ઉપરાંત રણજીતનગરમાં શાકમાર્કેટ પાસે, શરૂ સેક્શન રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં અને નહેરના કાંઠે આવેલા એક ગેરેજના છાપરા પર સળગતા ફટાકડા પડવાથી કચરો, ઘાસ અને અન્ય ચીજવસ્તુઓમાં આગ લાગવાના બનાવો બન્યા હતા, જે સ્થાનિકો અને ફાયર જવાનોના સહકારથી કાબૂમાં લેવાયા હતા.

શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના નોંધાઈ હતી, જેમાં કાલાવડના રણુંજા રોડ પર આવેલી અક્ષર મિલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. અહીં પણ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને રવાના કરવામાં આવી હતી. દેવદિવાળીના પર્વ પર ફટાકડા ફોડતી વખતે થોડી સાવચેતી ન રાખવાથી કે સળગતા ફટાકડા યોગ્ય સ્થળે ન પડવાથી આ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે સમયસર ફાયર ટીમ પહોંચી જવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ બનાવોએ નાગરિકો માટે ફટાકડા ફોડતી વખતે વધુ સતર્ક રહેવાની લાલબતી ધરી છે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES