ઇન્ડોનેશિયાના બેલાવાન સમુદ્ર વિસ્તારમાં નેવલ કમાન્ડ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં કોમોરોસ દેશના ધ્વજવાળા 'એમવી સ્ટાર લાઈન' નામના કાર્ગો જહાજને અટકાવવામાં આવ્યું છે. આ જહાજ ૭ નવેમ્બરે ચીનના લિયાન્ગ્યુગાંગ બંદરથી બાંગ્લાદેશના મોંગલા બંદર તરફ જઈ રહ્યું હતું, પરંતુ રસ્તામાં રિફ્યુઅલિંગ માટે રોકાયું ત્યારે તેની શંકાસ્પદ હિલચાલ અને નિર્ધારિત રૂટ બહારની અવરજવરને કારણે નૌકાદળના પેટ્રોલિંગ જહાજ 'કેઆરઆઈ સિગાલુ-૮૫૭'નું ધ્યાન તેના પર ગયું હતું. નૌકાદળના અધિકારીઓએ જ્યારે આ જહાજની સઘન તપાસ કરી ત્યારે તેના દસ્તાવેજો અને કાર્ગોમાં ભારે વિસંગતતાઓ તેમજ ગેરરીતિઓ જોવા મળી હતી, જેના પગલે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
જહાજના કુલ ૩૬ કન્ટેનરોની તલાશી લેવામાં આવતા તેમાંથી ૧૫ કન્ટેનરમાંથી ૪૦૫ ટન જેટલું પ્રચંડ 'સોડિયમ પર્ક્લોરેટ' કેમિકલ મળી આવ્યું હતું. રિઅર એડમિનિરાલ ડેની સેપ્ટિયાનાએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે આ એક અત્યંત શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ કેમિકલ છે, જેનો ઉપયોગ રોકેટ અને મિસાઈલના પ્રોપેલન્ટ (બળતણ) તેમજ વિસ્ફોટકોના ઉત્પાદનમાં થાય છે. આ જથ્થો એટલો મોટો છે કે તેનાથી આશરે ૧૦૦ જેટલી મિસાઈલોનું નિર્માણ થઈ શકે છે. આટલું જ નહીં, જહાજમાંથી લાખોની સંખ્યામાં બિનનોંધાયેલા ખાલી ૪જી એલટીઈ સિમ કાર્ડ્સ પણ મળી આવ્યા છે, જેણે આ કાવતરાને વધુ રહસ્યમય બનાવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જહાજના નોંધણી દસ્તાવેજો અને આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) ના કાગળો સસ્પેન્ડેડ તેમજ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. જહાજ દ્વારા રેડિયો કમ્યુનિકેશનના સંદેશાઓના પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યા નહોતા. હાલ ઇન્ડોનેશિયન સત્તાવાળાઓ જહાજના કર્મચારીઓની પૂછપરછ કરી રહ્યા છે અને આ જથ્થો મોકલનાર, શિપિંગ કંપની તેમજ બાંગ્લાદેશમાં તેના અસલી પ્રાપ્તકર્તા (આયાતકાર) કોણ હતા તે શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ દરિયાઈ માર્ગે થતી શંકાસ્પદ અને ગેરકાયદેસર હથિયારો તથા સામગ્રીની હેરાફેરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
