હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસને તમામ મહિનાઓમાં સૌથી પવિત્ર અને ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ મહિના દરમિયાન વહેલી સવારે સ્નાન, તુલસી પૂજા અને દીપદાન કરવાનું અનેરું મહાત્મય છે. ખાસ કરીને કાર્તિકી પૂર્ણિમાના દિવસને 'ત્રિપુરારી પૂર્ણિમા' તરીકે ઓળખવામાં આવે છે, જેની પાછળ એક રોચક પૌરાણિક કથા જોડાયેલી છે. તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીએ બ્રહ્માજીને પ્રસન્ન કરી એવી અદ્ભુત ત્રણ નગરીઓનું વરદાન મેળવ્યું હતું જે દર હજાર વર્ષે એક જ સીધી રેખામાં આવે ત્યારે જ તેનો નાશ થઈ શકે. જ્યારે આ ત્રણેય ભાઈઓએ દેવતાઓને અત્યાચાર દ્વારા હેરાન કરવાનું શરૂ કર્યું, ત્યારે ભગવાન શિવે વિશ્વકર્મા દ્વારા નિર્મિત દિવ્ય રથ પર સવાર થઈને એક જ બાણથી આ ત્રણેય નગરીઓનો નાશ કર્યો હતો. આ ઘટનાને કારણે જ મહાદેવ 'ત્રિપુરારી' તરીકે ઓળખાયા અને આ પવિત્ર તિથિ ત્રિપુરારી પૂર્ણિમા બની. આધ્યાત્મિક દ્રષ્ટિએ ત્રિપુરાનો અર્થ આપણા શરીરમાં રહેલા કામ, ક્રોધ અને લોભ જેવા વિકારો છે, જેને જીતવાથી જ જીવનમાં સાચી દિવાળી આવે છે.
આ પર્વ સાથે અનેક ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગો પણ જોડાયેલા છે. ત્રિપુરાસુરના વધ બાદ દેવતાઓએ કાશીમાં ગંગાજીના ઘાટ પર દીવા પ્રગટાવીને આનંદોત્સવ મનાવ્યો હતો, જેને આજદિન સુધી 'દેવ દિવાળી' તરીકે ઉજવવામાં આવે છે અને કાશીના ઘાટ લાખો દીવાઓથી ઝગમગી ઉઠે છે. આ ઉપરાંત, મહાભારત કાળ સાથે સંકળાયેલ ભીષ્મ પિતામહના ભીષ્મ પંચક વ્રતની પૂર્ણાહુતિ, દેવઉઠી એકાદશીથી આરંભાયેલા તુલસી વિવાહની સમાપ્તિ તેમજ શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની જયંતિ પણ આ જ દિવસે આવે છે. આ દિવસે વહેલી સવારે પવિત્ર નદી કે ઘરમાં ગંગાજળ યુક્ત જળથી સ્નાન કરી ભગવાન શિવ, વિષ્ણુ અને તુલસી માતાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે. શિવલિંગ પર પંચાભિષેક અને વિષ્ણુ ભગવાન તથા શાલીગ્રામની પૂજા સાથે સાંજના સમયે તુલસી ક્યારે અને આંગણમાં દીપદાન કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
કાર્તિક પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા દાન-પુણ્યનું હિન્દુ ધર્મમાં અદ્ભુત મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે તલ, ઘી, ગોળ, અન્ન, વસ્ત્ર, દીવા અને તાંબાના વાસણોનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. સાંજના સમયે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી અને ચંદ્રોદય સમયે ચંદ્રને અર્ઘ્ય આપી દર્શન કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું એક નાનું દીપદાન, સ્નાન કે એક મુઠ્ઠી દાન પણ અનેક મોટા યજ્ઞો સમાન પુણ્યફળ પ્રદાન કરે છે અને મનુષ્યના તમામ પાપોનો નાશ કરી પિતૃઓને તૃપ્તિ અર્પે છે.
