નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહ પોતાની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશોના પરંપરાગત સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઊર્જા, જળવિદ્યુત, રેલવે, પરિવહન અને કનેક્ટિવિટી જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતા નેપાળી વડાપ્રધાને જણાવ્યું હતું કે બાપુના જીવનમાંથી ફલિત થાય છે કે સત્યની શક્તિ દુનિયાની કોઈપણ શક્તિ કરતા સર્વોપરી છે.
આ ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન શાહે સંયુક્ત રીતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અયોધ્યાથી જનકપુર સુધીની ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી અને ઊર્જા ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન ભારતની મહત્વાકાંક્ષી 'ગતિશક્તિ યોજના'નું વિશેષ પ્રેઝન્ટેશન પણ નેપાળી પ્રતિનિધિમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા માળખાગત સુવિધાઓના વિકાસ અંગેની ભારતીય કાર્યપદ્ધતિની ઝાંખી કરાવવામાં આવી હતી.
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરમાં થયેલી જાનહાનિ બદલ ઊંઘું દુઃખ વ્યક્ત કરી ભારતના અડગ સમર્થનની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નેપાળ વગર આપણા ધામ અને રામ બંને અધૂરા છે, અને ભારત હંમેશાં નેપાળી પ્રજાની પડખે ઊભું છે. આ ભાવનાને સાકાર કરતા ભારતે નેપાળના સર્વાંગી વિકાસ માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના ભવ્ય પેકેજની જાહેરાત કરી છે. બીજી તરફ, બાલેન શાહે પણ ભારત-નેપાળના સંબંધોને હિમાલય જેવા અડગ અને મજબૂત ગણાવ્યા હતા, જે આગામી સમયમાં બંને રાષ્ટ્રો વચ્ચેની મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
