બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સંભવિત સ્વદેશ આગમનને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઓગસ્ટ ૨૦૨૪માં વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા છોડીને ભારત આશ્રય લેનાર શેખ હસીનાએ ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઢાકા સ્થિત સરકારે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે હસીના દેશમાં પ્રવેશતાની સાથે જ જેલના સળિયા પાછળ જવું પડશે. બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા ઓબેદે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, કાયદો તેનું કામ કરશે અને પૂર્વ વડાપ્રધાને પોતાના કાર્યોના પરિણામોનો સામનો કરવો જ પડશે. નોંધનીય છે કે ગેરહાજરીમાં ચલાવાયેલા એક કેસમાં હસીનાને માનવતા વિરુદ્ધના અપરાધો માટે દોષિત પણ ઠેરવવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ સરકારે ભારત સરકાર સમક્ષ પણ કડક રજૂઆત કરતા દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિનું પાલન કરવાની માંગ કરી છે. ઢાકા ઈચ્છે છે કે નવી દિલ્હી આ સંધિ હેઠળ શેખ હસીનાને દોષિત તરીકે પરત મોકલે. જોકે, ભારતે અગાઉ જણાવ્યું છે કે બાંગ્લાદેશ તરફથી મળેલ પ્રત્યાર્પણનો અનુરોધ હાલ વિચારણા હેઠળ છે. આ રાજકીય અવરોધ વચ્ચે બાંગ્લાદેશમાં તણાવ સતત વધી રહ્યો છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટી દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો અને રેલીઓની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે દેશના અનેક જિલ્લાઓમાં હિંસક બનાવો અને વિસ્ફોટો નોંધાયા છે. સરકારે આ હિંસાને રાજકીય રીતે અસ્તિત્વ ટકાવી રાખવાનો નિરર્થક પ્રયાસ ગણાવ્યો છે.
આ સમગ્ર રાજકીય સંઘર્ષે બંને દેશો વચ્ચેના સંબંધો અને આંતરિક સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. હસીનાએ નવા પાસપોર્ટ અને ઓળખકાર્ડ માટે કરેલી અરજીઓ વર્તમાન વચગાળાની સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી હોવા છતાં, તેમના સમર્થકો દ્વારા ઉગ્ર દેખાવો યથાવત છે. બીજી તરફ, બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના સંબંધો દેશના સ્વાભિમાન અને હિતોને સર્વોપરી રાખીને સંતુલિત રાખવા ઈચ્છીએ છીએ. શેખ હસીનાની 'દેશમાં જ મરવાની' જીદ અને સરકારની ધરપકડ કરવાની ચેતવણી વચ્ચે આગામી દિવસોમાં બાંગ્લાદેશની રાજનીતિમાં વધુ ઉથલપાથલ થવાની પૂરી સંભાવના છે.
