સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે અંદાજે ૧,૨૫,૦00 થી વધુ વાહનોના પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ કઢાવવામાં આવે છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં કરવામાં આવેલા નવા ફેરફારોની સીધી અસર ઝાલાવાડના લાખો વાહનચાલકો પર પડવા જઈ રહી છે. અત્યાર સુધી તમામ વાહનો માટે નિયમો એકસરખા હતા પરંતુ હવે નવી જોગવાઈ મુજબ વાહનના ભારત સ્ટેજ (BS) ઉત્સર્જન માપદંડ અને તેની ઉંમરના આધારે પીયુસીની માન્યતા નક્કી કરવામાં આવશે. આ ફેરફારથી ખાસ કરીને જૂના વાહનો ધરાવતા લોકોને હવે વધુ સતર્ક રહેવું પડશે.
નવી વ્યવસ્થા અનુસાર, બીએસ-વન (BS-I) થી બીએસ-થ્રી (BS-III) શ્રેણીના જૂના વાહનો માટે પીયુસીની માન્યતા ઘટાડીને માત્ર ૩ મહિના જ કરી દેવામાં આવી છે. જ્યારે બીએસ-ફોર્ર (BS-IV) શ્રેણીના વાહનો માટે તે ૬ મહિના અને આધુનિક બીએસ-સિક્સ (BS-VI) શ્રેણીના વાહનો માટે તેની ઉંમર મુજબ ૬ મહિનાથી ૧ વર્ષ સુધીની સમયમર્યાદા નક્કી કરાઈ છે. આ બદલાવને કારણે સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતો, મધ્યમ વર્ગના લોકો અને ટૂ-વ્હીલર તથા રિક્ષાચાલકોએ વર્ષમાં ચાર વખત પીયુસી સેન્ટરના ધક્કા ખાવા પડશે, જેનાથી તેમનો સમય અને નાણાં બંને બગડશે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દસથી પંદર વર્ષ જૂના પ્રદૂષણ ફેલાવતા વાહનો પર લગામ कसવાનો છે, પરંતુ વ્યાવહારિક દ્રષ્ટિએ સામાન્ય નાગરિકો માટે દર ૯૦ દિવસે પીયુસી રિન્યુ કરાવવું મુશ્કેલ બનશે. અગાઉ ૬ મહિના કે ૧ વર્ષની મુદત હોવાથી વાહનચાલકો નિશ્ચિંત રહેતા હતા, પરંતુ હવે મુદત પૂરી થતાં જ ઓનલાઈન ઈ-મેમો ફાટવાનું જોખમ અને ભારે દંડ ચૂકવવાની નોબત આવશે. આ પરિસ્થિતિમાં વાહનચાલકોએ હવે સમયસર પોતાના વાહનના દસ્તાવેજો અપડેટ રાખવા અનિવાર્ય બન્યું છે.
