નૂતન વર્ષ અને દિવાળીના પાવન અવસર પર વાંસદાના કુકણા સમાજ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી, વાંસદા વિધાનસભા પરિવાર દ્વારા એક ભવ્ય અને ઉત્સાહસભર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં વાંસદા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા સહિતના અગ્રણીઓએ સાંસદ ધવલ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નિરાલી નાયક સહિતના તમામ આમંત્રિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તહેવારના માહોલ વચ્ચે યોજાયેલા આ સેહમિલનમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, સક્રિય કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યકરોને સંબોધિત કરતા સાંસદ ધવલ પટેલે પક્ષની સફળતામાં પાયાના કાર્યકરના યોગદાનને સર્વોપરી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સાચી તાકાત કોઈ વ્યક્તિ કે પદ નથી, પરંતુ નિષ્ઠાવાન કાર્યકરોનો પરિશ્રમ છે. પોતાના ધંધા-રોજગાર અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ પક્ષના કાર્યો માટે સમય ફાળવતા કાર્યકરો જ સંગઠનની ખરી મૂડી છે. વ્યક્તિગત મુશ્કેલીઓની પરવા કર્યા વગર જનતાની વચ્ચે રહીને સેવાકાર્ય કરતા આ કાર્યકરોના સમર્પણના બળે જ ભાજપ સતત આગળ વધી રહ્યો છે અને જનસંપર્ક વધુ ગાઢ બની રહ્યો છે.
આ પ્રસંગે આગામી સમયના રાજકીય સમીકરણો પર ભાર મૂકતા સાંસદે વર્ષ 2027માં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવા તાકીદ કરી હતી. તેમણે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર સંગઠનને અત્યંત મજબૂત બનાવવા માટે રણનીતિબદ્ધ કામ કરવા પ્રેરિત કર્યા હતા. આ ભવ્ય આયોજન દરમિયાન ભાજપની વિકાસલક્ષી નીતિઓ અને વિચારધારાથી પ્રભાવિત થઈને આશરે દસથી વધુ નવા નાગરિકોએ કેસરિયો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો.
