અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડ અંતર્ગત ન્યૂ મણિનગર વિસ્તારમાં મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં ન્યૂ મણિનગર ચાર રસ્તાથી ગોડાસર એક્સપ્રેસ હાઇવે તરફ જતા અત્યંત વ્યસ્ત મુખ્ય માર્ગ પર છેલ્લા બે દિવસથી ગટરની ચેમ્બરો સતત ઉભરાઈ રહી છે. પરિણામે, સમગ્ર માર્ગ પર ગટરનાં ગંદાં અને દૂષિત પાણી ફરી વળ્યા છે, જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
આ મુખ્ય માર્ગની આસપાસ અનેક મોટી સોસાયટીઓ અને રેસિડેન્શિયલ ફ્લેટો આવેલા છે, જ્યાં હજારો પરિવારો કાયમી ધોરણે વસવાટ કરે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે ફ્લેટોના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે અને દિવસ-રાત પાણી ભરાયેલા રહે છે. જેના કારણે નાના બાળકો, વડીલો અને નોકરી-ધંધે જતા લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ દુર્વ્યહવાર સમાન બની ગયું છે. વાહનચાલકો અને રાહદારીઓએ નાછૂટકે આ ગંધાતા અને અસહ્ય દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.
વર્તમાન સમયમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ અસહ્ય દુર્ગંધ અને ગંદકીના સામ્રાજ્યને કારણે વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક રહીશો સતાવી રહી છે. મચ્છરનો ઉપદ્રવ વધવાની સાથે પાણીજન્ય બીમારીઓ ફેલાવાનો ભય પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્ર તાત્કાલિક જાગે અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરી ચેમ્બરોનું સમારકામ તથા ગટરલાઈનની સફાઈ કરાવીને કાયમી ઉકેલ લાવે તેવી રહીશોમાં ઉગ્ર માંગ ઉઠી છે.
