JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અદભુત ટેકનોલોજીનો ચમત્કાર: લુલુ નામની પતંગિયાએ ૩૮ દિવસમાં ખેડ્યું ૬૦૦ માઈલનું અંતર, હવે સ્માર્ટફોન પર કરી શકાશે લાઈવ ટ્રેકિંગ

અદભુત ટેકનોલોજીનો ચમત્કાર: લુલુ નામની પતંગિયાએ ૩૮ દિવસમાં ખેડ્યું ૬૦૦ માઈલનું અંતર, હવે સ્માર્ટફોન પર કરી શકાશે લાઈવ ટ્રેકિંગ
આધુનિક ટેકનોલોજીની મદદથી હવે પતંગિયાની ઉડાડ પણ લાઈવ જોઈ શકાશે. 'લુલુ' નામના મોનાર્ક પતંગિયાએ માત્ર ચોખાના દાણા જેટલા વજનના બ્લૂટૂથ ટેગ સાથે ઇડાહોથી કેલિફોર્નિયા સુધીની ૬૦૦ માઈલની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

વર્તમાન સમયમાં આપણે પ્રિયજનોની અવરજવરથી લઈને ઓર્ડર કરેલા ખોરાક સુધીની દરેક વસ્તુને ટ્રેક કરી શકીએ છીએ, પરંતુ હવે આ ટ્રેકિંગ ટ્રેન્ડ વન્યજીવો સુધી વિસ્તર્યો છે. 'લુલુ' (WR087-LULU) નામના એક નાના મોનાર્ક પતંગિયાએ ઇડાહોના ગ્રાન્ડ વ્યુથી કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરા પાસે આવેલા એલ્વુડ ગ્રોવ સુધીનું આશરે ૬૦૦ માઈલનું અંતર માત્ર ૩૮ દિવસમાં કાપ્યું છે. 'વિંગ્સ રાઈઝિંગ' નામના જૂથ દ્વારા તેને ટેગ કરવામાં આવ્યું હતું અને તેણે ૨૬ ઓક્ટોબરે એલ્વુડ મેસા ખાતે સફળ ઉતરાણ કર્યું હતું. આ પતંગિયાની પીઠ પર ચોખાના દાણા જેટલા વજનનું અતિ-હલકું બ્લૂટૂથ અને રેડિયો ટેલિમેટ્રી ટેગ લગાવવામાં આવ્યું છે, જે પ્રોજેક્ટ મોનાર્ક એપ અને મોટસ નેટવર્કની મદદથી સેંકડો લોકોને તેમના મોબાઈલ ફોન પર તેની સફર લાઈવ બતાવવામાં મદદરૂપ બન્યું હતું.

કેલિફોર્નિયાનું એલ્વુડ મેસા પશ્ચિમી મોનાર્ક પતંગિયાઓ માટે શિયાળો વિતાવવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થળ છે, જો કે ૧૯૮૦ના દાયકાથી આવા પતંગિયાઓની વસ્તીમાં ૯૫% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. રહેઠાણોનો નાશ, જંતુનાશકોનો વપરાશ અને આબોહવાકીય ફેરફારોને કારણે યુ.એસ. ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે આ પ્રજાતિને 'જોખમમાં મુકાયેલી' તરીકે સૂચિત કરી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને 'એલ્વુડ ફ્રેન્ડ્સ' નામની બિનનફાકારક સંસ્થા વૈજ્ઞાનિક સંશોધન પેઢી 'ઓલહાઉસ એન્ડ મીડે' સાથે મળીને આ સેવ અને ટ્રેકિંગ પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પતંગિયાઓને ટ્રેક કરવાનો નથી, પરંતુ તેમની વસ્તીની ગણતરી કરવાનો અને તેમના સ્થળાંતરના મુખ્ય માર્ગો તથા આરામ કરવાની જગ્યાઓને ઓળખીને લાંબા ગાળાની સંરક્ષણ યોજનાઓ ઘડવાનો છે.

આ અનોખા પ્રોજેક્ટને લોકપ્રિય બનાવવા અને ભંડોળ એકત્ર કરવા માટે સંસ્થાએ પતંગિયાના નામકરણનો એક રસપ્રદ ર્દષ્ટિકોણ અપનાવ્યો છે, જેમાં ૧,૦૦૦ ડૉલરનું દાન આપીને કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પતંગિયાનું નામકરણ કરી શકે છે. 'લુલુ' ઉપરાંત 'ટોડ', 'પેની', અને 'ફ્રાઉ' જેવા સુંદર નામ આ પતંગિયાઓને આપવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકો કોઈપણ વિજ્ઞાનની પૃષ્ઠભૂમિ વગર મફત 'પ્રોજેક્ટ મોનાર્ક' એપ ડાઉનલોડ કરીને પોતાના સ્માર્ટફોન પર આ પતંગિયાઓની હિલચાલ સરળતાથી નિરક્ષી શકે છે. આ ટેકનોલોજી અને જનજાગૃતિનું અદભુત મિશ્રણ વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લઈને આવ્યું છે, જે ભવિષ્યમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES