ગેમિંગ જગતમાં અત્યંત લોકપ્રિય અને ચર્ચાસ્પદ બનેલી વીડિયો ગેમ 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6' (GTA 6) ના લોન્ચિંગ પહેલાં જ તેની આર્થિક સિસ્ટમને સમજવા માટે એક અનોખો કિમિયો અપનાવવામાં આવ્યો છે. અમેરિકન ફાઇનાન્શિયલ સ્ટાર્ટઅપ 'કાલશી' (Kalshi) એ ગેમની વર્ચ્યુઅલ દુનિયા 'લિયોનિડા' ની અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવા માટે પ્રખ્યાત ટ્વિચ સ્ટ્રીમર ક્લિફ સેવેજ (Cliff Savage) ને સત્તાવાર રીતે પોતાના ફુલ-ટાઇમ રિસર્ચ ૨૨ તરીકે હાયર કર્યા છે. આ પદ માટે કંપનીને વિશ્વભરમાંથી ૩૩,૦૦૦ થી પણ વધુ ઉમેદવારોના અરજી ફોર્મ મળ્યા હતા, જેમાંથી લાંબી પ્રક્રિયા બાદ ક્લિફની પસંદગી કરવામાં આવી છે.
કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક તારેક મન્સૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ રોમાંચક જાહેરાત કરતા જણાવ્યું હતું કે ક્લિફ સેવેજની ગેમ પ્રત્યેની નિષ્ઠા અને તેમના અનોખા અભિગમે તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા. ક્લિફની જોબ એપ્લિકેશનના પ્રભાવશાળી શબ્દો ટાંક્તા તેમણે કહ્યું કે ક્લિફ ગેમમાં એક પણ ડૉલર ખર્ચતા પહેલા પ્રોપર્ટીના ભાવ, બિઝનેસ અને કમાણીના તમામ રસ્તાઓનો અભ્યાસ કરવા માગે છે. તેઓ લિયોનિડાની અર્થવ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તે શોધીને પોતાના દર્શકો માટે સંપત્તિ મેળવવાનો સૌથી ઝડપી રસ્તો તૈયાર કરવા માંગે છે, જેનાથી તેમના દર્શકો પણ કંઈક શીખી શકે.
પોતાની આ અદ્ભુત પસંદગી પર પ્રતિક્રિયા આપતા સ્ટ્રીમર ક્લિફ સેવેજે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ભૂમિકા તેમના જીવનમાં એક મોટું પરિવર્તન લાવશે અને તેઓ પોતાનું સર્વસ્વ આપીને ગેમનું અત્યાર સુધીનું સૌથી શાનદાર સંશોધન તૈયાર કરશે. અગાઉ સાઉન્ડક્લાઉડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનાર અને ટ્વિચ પર સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચેલા ક્લિફે આ તકને પોતાના માટે એક વરદાન સમાન ગણાવી છે. કાલશી કંપની પણ હવે ક્લિફના આ રિસર્ચ રિપોર્ટ્સ અને તારણો વાંચવા માટે ભારે ઉત્સુક છે, જે ગેમિંગ અને ફાઇનાન્સની દુનિયામાં એક નવો રેકોર્ડ બનાવી શકે છે.
