નવી દિલ્હી ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ફોરમ અંતર્ગત પ્રથમ 'સિવિલાઈઝેશનલ ડાયલોગ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું કેન્દ્રબિંદુ ઐતિહાસિક પુરાણા કિલ્લો રહ્યો હતો. આ વૈશ્વિક મંચ પર પાકિસ્તાનના આબોહવા પરિવર્તન અને પર્યાવરણ મંત્રી મુસદિક મસૂદ મલિકે કિલ્લાના સમૃદ્ધ ઈતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે આ પ્રાચીન સ્થળ વિવિધ સંસ્કૃતિઓ અને સભ્યતાઓના મિલનનું પ્રતિક છે. તેમણે હુમાયુ અને શેરશાહ સૂરીના યોગદાનને યાદ કરતા કહ્યું કે દિલ્હી બહારથી આવતી સભ્યતાઓથી ક્યારેય નબળી નથી પડી, પરંતુ તેનાથી વધુ શક્તિશાળી બની છે.
આ સંમેલનમાં ભારતે પુરાણા કિલ્લાને મહાભારત કાળના 'ઇન્દ્રપ્રસ્થ' તરીકે રજૂ કરીને તેની ત્રણ હજાર વર્ષ જૂની ઐતિહાસિક અને પુરાતત્વીય સફર દુનિયા સામે મૂકી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ઉદ્ઘાટન ભાષણમાં પુરાણા કિલ્લાના બહુસ્તરીય ઈતિહાસ અને તેની સભ્યતાની સફર વિશે વાત કરી હતી. ભારતે આ બેઠક દરમિયાન એસસીઓ દેશોના પ્રતિનિધિઓ માટે ખાસ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું, જેમાં 'મહાભારત પવેલિયન' અને 'અસ્તિત્વ' પ્રદર્શન દ્વારા દિલ્હીના પ્રાચીન પુરાતત્વીય પુરાવાઓ અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાની મંત્રીએ પુરાણા કિલ્લાની દીવાલોની અંદર રહેલી કલા અને સંસ્કૃતિના બે અલગ-અલગ સ્તરોની પ્રશંસા કરતા આ કાર્યક્રમને 'તેહઝીબ કી ગુફ્તગુ' એટલે કે 'સભ્યતાઓની વાતચીત' તરીકે યોગ્ય ગણાવ્યો હતો. ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ સમયગાળાના અવશેષોને ટાંકીને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મધ્ય એશિયાથી આવેલા હુમાયુ અને અફઘાનિસ્તાનથી આવેલા શેરશાહ સૂરીના સમયની કળા અને પરંપરાઓનો સમન્વય આ એક જ કિલ્લામાં જોવા મળે છે, જે ઉપખંડની અદ્ભુત સાંસ્કૃતિક વિવિધતા અને એકતાનું જીવંત ઉદાહરણ છે.
