અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના સૌથી નાના પુત્ર બેરોન ટ્રમ્પ હંમેશા મીડિયાના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. તાજેતરમાં પ્રાઇમ વિડીયો પર રિલીઝ થયેલી મેલેનિયા ટ્રમ્પની નવી ડોક્યુસિરીઝ 'મેલેનિયા'માં તેમના પુત્રના અંગત જીવન વિશે કેટલાક રસપ્રદ ખુલાસા થયા છે. દિગ્દર્શક બ્રેટ રેટનર સાથેની વાતચીત દરમિયાન, જ્યારે એવો ઉલ્લેખ થયો કે યુનિવર્સિટીની યુવતીઓમાં બેરોનને લઈને ભારે ક્રેઝ છે અને તેઓ તેની નજીક જવા ઈચ્છે છે, ત્યારે મેલેનિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ હંમેશા પોતાના પુત્રને કહે છે કે બહારની દુનિયા ખૂબ જ ખતરનાક છે અને તેણે ડેટિંગ બાબતે હંમેશા સાવચેત રહેવું જોઈએ.
૨૦ વર્ષીય બેરોન ટ્રમ્પ હાલમાં ન્યૂ યોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ ખાનગી રાખવાનું પસંદ કરે છે. ડોક્યુસિરીઝમાં મેલેનિયાએ જણાવ્યું હતું કે માતા અને પુત્ર વચ્ચે જીવનના દરેક વિષય પર ખુલીને વાતચીત થાય છે અને તેઓ હંમેશા બેરોન માટે ઉપલબ્ધ છે. તેમણે પોતાને એક 'કૂલ મોમ' ગણાવતા કહ્યું હતું કે બેરોન તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે આ વાત સારી રીતે જાણે છે. મીડિયા અહેવાલો અનુસાર, બેરોને સુરક્ષા કારણોસર ભૂતકાળમાં ડેટિંગ માટે ન્યૂ યોર્ક સ્થિત ટ્રમ્પ ટાવરનો આખો એક માળ સુરક્ષિત રાખ્યો હોવાની ચર્ચાઓ પણ રહી છે.
ડોક્યુસિરીઝમાં મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પુત્રની બુદ્ધિમત્તા અને આત્મવિશ્વાસની પણ મુક્તકંઠે પ્રશંસા કરી હતી. મેલેનિયાએ બેરોનને અદ્ભુત મગજ ધરાવનાર અને અત્યંત આત્મવિશ્વાસુ યુવાન તરીકે વર્ણવ્યો હતો. ભલે બેરોન લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરતા હોય, પરંતુ તાજેતરના સમયમાં તેઓ વ્હાઈટ હાઉસના યુએફસી ફાઈટ તેમજ રાષ્ટ્રપતિના સંબોધન જેવા જાહેર કાર્યક્રમોમાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે. ફર્સ્ટ લેડીએ જણાવ્યું છે કે તેઓ ઈચ્છે છે કે બેરોન પોતાના જીવનનો માર્ગ જાતે જ પસંદ કરે અને તેઓ દરેક પગલા પર તેમના પુત્રની સાથે જ છે.
