JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

ફિલ્મો અને વેબ સિરીઝ જોતી વખતે જાણીતી ભાષામાં પણ સબટાઈટલ રાખવાની આદત પાછળનું મનોવિજ્ઞાન શું છે?

ફિલ્મો અને વેબ સિરીઝ જોતી વખતે જાણીતી ભાષામાં પણ સબટાઈટલ રાખવાની આદત પાછળનું મનોવિજ્ઞાન શું છે?
જાણીતી ભાષા હોવા છતાં પણ વિડિયો કે ફિલ્મોમાં સબટાઈટલ વાંચવાનું પસંદ કરતા લોકોમાં માહિતી ગ્રહણ કરવાની એક અદ્ભુત વૈજ્ઞાનિક પદ્ધતિ છુપાયેલી હોય છે. સાંભળવાની સાથે વાંચવાથી મગજને માહિતી પ્રોસેસ કરવામાં વધુ સરળતા રહે છે અને એકાગ્રતા વધે છે.

આજના ડિજિટલ યુગમાં જ્યારે આપણે કોઈ ફિલ્મ કે વેબ સિરીઝ જોઈએ છીએ, ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે ભાષા સંપૂર્ણપણે સમજાતી હોવા છતાં આપણે સબટાઈટલ ઓન રાખીએ છીએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈને ભાષા ન સમજાતી હોય તો જ સબટાઈટલની જરૂર પડે, પરંતુ મનોવિજ્ઞાન અને તાજેતરના સંશોધનો કંઈક અલગ જ હકીકત સામે લાવે છે. જ્યારે અભિનેતાઓ સામાન્ય ઝડપે બોલતા હોય અને પાશ્વસંગીત કે અન્ય કોઈ અડચણ ન હોય છતાં પણ સ્ક્રીન પર દેખાતા શબ્દો વાંચવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે. આ માત્ર કોઈ નબળાઈ નથી, પરંતુ તે મગજ દ્વારા માહિતીને એકસાથે બે અલગ-અલગ માધ્યમો (શ્રવણ અને દ્રશ્ય) દ્વારા ગ્રહણ કરવાની એક કુદરતી પ્રક્રિયા છે.

આ વિષય પર કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે જ્યારે આપણે કોઈ સંવાદ સાંભળીએ અને સાથેસાથે તે જ શબ્દો સ્ક્રીન પર વાંચીએ છીએ, ત્યારે મગજ પરનો બોજ ઘટે છે અને સમજણ વધુ સ્પષ્ટ બને છે. વર્ષ ૨૦૨૬માં આઈ-ટ્રેકિંગ ટેકનોલોજીની મદદથી કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે સબટાઈટલની ભાષા અને લિપિ બદલાવાથી દર્શકોનું ધ્યાન વિડિયો સાથે કેવી રીતે જોડાય છે. જો કે અવાજ વિના વિડિયો જોતી વખતે માનસિક શ્રમ વધુ પડે છે અને સમજણ ઘટે છે, પરંતુ જ્યારે શ્રવણ અને દ્રશ્ય બંને ઉપલબ્ધ હોય ત્યારે દર્શકો પોતાના હિસાબે ડાયલોગ સાથે તાલમેલ જાળવી શકે છે. ઝડપથી બોલાતા સંવાદો, અપરિચિત ઉચ્ચાર કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકના કારણે જો ક્યારેક કોઈ શબ્દ છૂટી જાય, તો સબટાઈટલ તે ખાપ પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

આ આદતનો અર્થ એવો નથી કે સંબંધિત વ્યક્તિને સાંભળવામાં કોઈ સમસ્યા છે અથવા તેની શ્રવણ શક્તિ નબળી છે. આ માત્ર વ્યક્તિગત પસંદગી અને મગજની માહિતી પ્રોસેસ કરવાની શૈલી પર નિર્ભર છે, જે વર્ષોના વિડિયો જોવાના અનુભવથી વિકસિત થાય છે. રોજિંદી વાતચીતમાં અંગ્રેજી કે અન્ય ભાષા સહજતાથી સમજતા લોકો પણ મનોરંજન દરમિયાન સબટાઈટલ વાંચવાનો આનંદ માણતા હોય છે. ટૂંકમાં કહીએ તો, જાણીતી ભાષામાં પણ સબટાઈટલ રાખવાનો આગ્રહ એ કોઈ ખામી નથી, પરંતુ તે ફિલ્મ કે વિડિયો જોતી વખતે અનુભવને વધુ સચોટ, પૂર્ણ અને આરામદાયક બનાવવાની એક અનોખી માનસિક રીત છે.

લાઈફસ્ટાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES