JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

માત્ર ૧૦ વર્ષની વયે ઈરા આદિત્ય રાઉતે સ્કુબા ડાઈવિંગમાં રચ્યો ઈતિહાસ, એક જ દિવસમાં બનાવ્યા છ અસાધારણ રેકોર્ડ

માત્ર ૧૦ વર્ષની વયે ઈરા આદિત્ય રાઉતે સ્કુબા ડાઈવિંગમાં રચ્યો ઈતિહાસ, એક જ દિવસમાં બનાવ્યા છ અસાધારણ રેકોર્ડ
કર્વારની પાંચમા ધોરણની વિદ્યાર્થીની ઈરા આદિત્ય રાઉતે અંદમાનના શહીદ દ્વીપ ખાતે સૌથી નાની વયના ક્વોલિફાઈડ સ્કુબા ડાઈવર બનવાની સાથે એક જ દિવસમાં છ ગિનિસ અને પ્રી-ટીન રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

અંદમાન સમુદ્રના નીલા પાણીમાં ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એક અદ્ભુત સિદ્ધિ નોંધાઈ, જ્યારે માત્ર ૧૦ વર્ષ, ૧૭ કલાક અને ૩૫ દિવસની વય ધરાવતી ઈરા આદિત્ય રાઉતે વિશ્વના સૌથી નાની વયના ક્વોલિફાઈડ સ્કુબા ડાઈવર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. કર્નાટકના કારવાર સ્થિત નેવલ ચિલ્ડ્રન સ્કૂલની આ પ્રતિભાશાળી વિદ્યાર્થીનીએ શહીદ દ્વીપના ડાઈવ ટ્રાઈબ સેન્ટર ખાતે આ સાહસિક સિદ્ધિ હાંસલ કરી હતી. મૂળ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના વતની એવા ઈરાના પરિવારમાં દેશભક્તિ અને સાહસ વારસામાં મળ્યા છે; તેના માતા-પિતા બંને (કમાન્ડર સ્નેહ બુકોટી અને કમાન્ડર આદિત્ય રાઉત) ભારતીય નૌકાદળમાં સેવા આપે છે, જ્યારે તેના દાદા અશોક રાજારામ રાઉત પણ નૌકાદળમાંથી નિવૃત્ત કમાન્ડર છે.

આ માત્ર એક ડાઈવિંગ કોર્સ પૂર્ણ કરવા પૂરતો સીમિત ન હતો, પરંતુ ઈરાએ એક જ દિવસમાં કઠિન પડકારો ઝીલીને પાંચ અન્ય ગૌરવપૂર્ણ રેકોર્ડ પણ સ્થાપિત કર્યા. 'ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા પ્રી-ટીન કેટેગરીમાં માન્યતા પામેલી આ સિદ્ધિઓમાં તેણે પાણીની અંદર માત્ર એક મિનિટમાં ૫૫ સ્કુબા-ડાઈવિંગ હેન્ડ સિગ્નલ આપ્યા અને ૬૦ સેકન્ડમાં ૫૦ મીટરનું અંતર કાપ્યું હતું. આ ઉપરાંત, તેણે સ્કુબા ડાઈવિંગ કરતી વખતે પાણીની અંદર ૩૦ જેટલા ડાઈવિંગ સાધનોની ઓળખ કરી હતી અને ફ્લેશકાર્ડ્સની મદદથી ૪૫ દરિયાઈ જીવસૃષ્ટિ (મરિન સ્પીસીઝ) ની ઓળખ કરીને પોતાની તીક્ષ્ણ સ્મૃતિ અને કૌશલ્યનો પરિચય આપ્યો હતો.

એક જ દિવસમાં સમુદ્રમાં સૌથી વધુ અંડરવોટર રેકોર્ડ બનાવવાનો છઠ્ઠો ખિતાબ પણ તેના નામે થયો છે, જે તેની અસાધારણ ક્ષમતા દર્શાવે છે. એએનઆઈના અહેવાલ મુજબ, આ રોમાંચક અનુભવ બાદ ઈરાએ જણાવ્યું કે તેને દરિયાઈ દુનિયાને નજીકથી જાણવી ખૂબ ગમે છે અને તે ભવિષ્યમાં પણ અંડરવોટર વર્લ્ડ વિશે વધુ શીખવા તથા અન્વેષણ કરવા આતુર છે. શારીરિક ગતિ અને ડાઈવિંગ કુશળતાની સાથે માનસિક સજ્જતા માંગી લેતી આ અદ્ભુત સિદ્ધિથી ઈરાએ વૈશ્વિક સ્તરે ભારત અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

લાઈફસ્ટાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES