JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

શિયાળામાં મોર્નિંગ વોક: એલાર્મ, ધાબળા અને સોશિયલ મીડિયા વચ્ચેનું શાશ્વત યુદ્ધ

શિયાળામાં મોર્નિંગ વોક: એલાર્મ, ધાબળા અને સોશિયલ મીડિયા વચ્ચેનું શાશ્વત યુદ્ધ
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક પર જવાનો સંકલ્પ કરવો અને તેને પાળવો એ અતિ મુશ્કેલ કાર્ય છે. વહેલી સવારની આ કસરતી યાત્રામાં એલાર્મ, હુંફાળો ધાબળો, શેરીના શ્વાનો અને સ્માર્ટફોન અનેક પ્રકારના અડચણરૂપ પડકારો ઊભા કરે છે.

મોડે મોડેથી પણ શિયાળાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે અને વાતાવરણમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર 'ચાલીશ પછી ચાલીશ નહીં તો ક્યાંય ચાલીશ નહીં' જેવા ઉત્સાહવર્ધક સંદેશાઓ વહેતા થાય છે, પરંતુ હકીકત એ છે કે પથારીમાં સૂતા સૂતા મોર્નિંગ વોક માટે સંમત થવું અને વાસ્તવમાં પથારી છોડીને બહાર નીકળવું એ બે તદ્દન જુદી બાબતો છે. ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે કડકડતી ઠંડીમાં સવારે પથારી છોડવી એ દુનિયાનું સૌથી મોટું અને મુશ્કેલ કામ છે, જેનો અનુભવ ડૉક્ટરોની ડાયરીમાં પણ વર્ણવવામાં આવ્યો નથી કારણ કે મોટે ભાગે તેઓ ખુદ મોર્નિંગ વોકથી દૂર રહે છે.

આ દૈનિક કસરતની સફરમાં સૌથી પહેલી અને ગંભીર અડચણ એલાર્મ અને હૂંફાળા ધાબળા વચ્ચેની છે. વહેલી સવારે જ્યારે એલાર્મ વાગે ત્યારે મન ભલે એમ કહે કે આજે તો ચોક્કસ ચાલવું છે, પરંતુ ધાબળો આપણો બેસ્ટ ફ્રેન્ડ અને માતા બનીને માત્ર 'પાંચ જ મિનિટ'નું આશ્વાસન આપીને હૂંફાળું આલિંગન આપે છે. આ પાંચ મિનિટ ક્યારે કલાકમાં પરિવર્તિત થઈ જાય છે તેની ખબર જ રહેતી નથી અને આજનું મોર્નિંગ વોક કેન્સલ થઈ જાય છે. રહી સહી કસર ઘરની બહાર ફરતા કૂતરાઓ પૂરી કરે છે, જે ઠંડીમાં ભસી ભસીને આપણી ઊંઘ બગાડે છે અને જ્યારે આપણે માંડ માંડ બહાર નીકળીએ ત્યારે રસ્તો રોકીને ઊભા રહી જાય છે.

આ બધા અવરોધોને પાર કરીને જો કોઈ સજ્જન બહાર નીકળે તો અનિદ્રાથી પીડાતા અને સવારના ચાર વાગ્યાથી વોકિંગ કરતા અડોપડોશના આંટીઓ વહેલા મોડા પહોંચવા બદલ ટોણા મારે છે. વળી, હાથમાં રહેલો મોબાઇલ ફોન પણ સતત ગુડ મોર્નિંગના મેસેજ અને ઇન્સ્ટાગ્રામ પર ચાલવાના ફાયદા સમજાવતી રીલ્સ દ્વારા ચાલવાની ગતિ પર બ્રેક મારી દે છે. અંતે, ચાલવાનું તો ખાસ થતું નથી પરંતુ મોબાઇલના ડેટા અને સ્ટેટસ જરૂર એવું બયાણ કરે છે કે આજે ખૂબ ચાલ્યા અને થાકી ગયા, જેમાં દોષ ખુદ મોબાઈલનો જ હોય છે!

લાઈફસ્ટાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES