કેલિફોર્નિયાના અત્યંત પ્રીમિયમ અને આકર્ષક વિસ્તાર ગણાતા માલિબુની એક દરિયાકિનારે આવેલી પ્રોપર્ટી લાંબા સમયથી ચર્ચામાં રહી છે. હોંગકોંગના મલ્ટિમિલિયોનેર હિરોશી હોરીઈકેએ આ પ્રોપર્ટી વર્ષ ૨૦૦૭માં ૧૨.૨૫ મિલિયન ડોલરમાં ખરીદી હતી. જોકે, શરૂઆતથી જ આ પ્રોપર્ટીનો ઇતિહાસ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. અગાઉ મેન્શનના સાઈઝને લઈને મોટો કાનૂની વિવાદ પણ સર્જાયો હતો જે કેલિફોર્નિયાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ કાનૂની લડાઈઓ બાદ વર્ષ ૨૦૧૮માં આવેલી 'વૂલસી ફાયર' નામની ભીષણ આગે આ આલીશાન મેન્શનને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યું હતું, જેમાં માત્ર માલિકના પિતાની એક માર્બલની પ્રતિમા જ સુરક્ષિત બચી શકી હતી.
આગની આ દુર્ઘટના બાદ આ ૫.૩૫ એકરનો દરિયાકિનારાનો વિશાળ પ્લોટ સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે, પરંતુ તેનું અસલી મૂલ્ય તેની અદ્ભુત લોકેશન અને કુદરતી સૌંદર્યમાં રહેલું છે. પેસિફિક મહાસાગર, ઝુમા બીચ, બ્રોડ બીચ અને કેટાલીના આઇલેન્ડના મનોહર દ્રશ્યો આ પ્લોટની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. અગાઉ આ પ્રોપર્ટીની કિંમત લગભગ ૨૯.૮ મિલિયન ડોલર આંકવામાં આવી હતી, પરંતુ સ્થાનિક બજારમાં આગની અસરો અને ઘટતી માંગને કારણે કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, મિલકતના વિશિષ્ટ સ્થાન અને પુનઃનિર્માણની સંભાવનાઓને કારણે રોકાણકારો અને બિલ્ડરોમાં આ જમીન માટે આજે પણ ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
વર્તમાન પરિસ્થિતિ મુજબ આ ખાલી જમીનની હરાજી સીલબંધ બોલી (સીલ્ડ બિડ ઓક્શન) દ્વારા કરવામાં આવી રહી છે, જેની રિઝર્વ પ્રાઇસ ૧૨.૯૯ મિલિયન ડોલર નક્કી કરાઈ છે. આ હરાજીની ખાસિયત એ છે કે ખરીદનારને પ્રખ્યાત આર્કિટેક્ટ ક્લાઈવ ડોસન દ્વારા તૈયાર કરાયેલા ૭ બેડરૂમ, સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ અને ઝુમા બીચ સુધીની ખાસ પેડેસ્ટ્રિયન ટનલવાળા પ્લાન પણ મફત મળશે. વૂલસી ફાયરના ખાસ નિયમોને આભારી રહીને ખરીદનાર અહીં ૧૪,૫00 ચોરસ ફૂટ સુધીનું વિશાળ મેન્શન ફરીથી બનાવી શકે છે, જે વર્તમાન મ્યુનિસિપલ નિયમો મુજબ સામાન્ય સંજોગોમાં અશક્ય છે. પરામાઉન્ટ રિયલ્ટી યુએસએ અને સોથેબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટી દ્વારા સંચાલિત આ હરાજી આગામી સમયમાં લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં એક નવો વળાંક સાબિત થઈ શકે છે.
