જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના કમાન્ડર લતીફ ભટને ઠાર કરવામાં આવ્યો છે. લતીફ ભટ ઘાટીમાં સક્રિય એકમાત્ર સ્થાનિક આતંકવાદી હતો અને તે મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો. ગત 11 નવેમ્બરના રોજ કુલગામમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો પર થયેલા ઘાતક હુમલા પાછળનો મુખ્ય માસ્ટરમાઇન્ડ આ જ આતંકવાદી હતો. સોમવારે લારુ બાયપાસ વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન તે ભાગવામાં સફળ રહ્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ બાતમીના આધારે તેની સતત વોચ રાખીને તેને ફરીથી ઘેરી લીધો હતો.
ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ માનવીય અભિગમ દાખવીને લતીફ ભટને આત્મસમર્પણ કરવા માટે પૂરતી તકો આપી હતી. કુલગામના એસએસપી અનાયત અલીએ જણાવ્યું હતું કે તેમણે જાતે આતંકવાદી સાથે લાંબી વાતચીત કરી હતી અને વિડિયો કોલ દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે હજુ યુવાન છે અને તેની આગળ આખીિ જિંદગી પડી છે. જો કે, તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા અને લતીફ ભટ આત્મસમર્પણ કરવાને બદલે નજીકની એક મસ્જિદમાં ઘૂસી ગયો હતો અને બુધવારે વહેલી સવારે અંદાજે 2:45 વાગ્યે સુરક્ષાદળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળોએ ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવા અને તેને નુકસાન ન થાય તે માટે અત્યંત સંયમ અને સાવચેતીપૂર્વક આ કાર્યવાહી પાર પાડી હતી.
સુરક્ષાદળો માટે આ સફળતાને વર્ષ 2026ની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવવામાં આવી રહી છે કારણ કે લતીફ ભટ બરાબર એક વર્ષ પહેલાં જ લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો અને સરહદ પારથી મળતી સૂચનાઓ અનુસાર ઘાટીમાં શાંતિ, પ્રવાસન અને અર્થવ્યવસ્થાને ડહોળવાના કાવતરાં ઘડી રહ્યો હતો. CRPFના મહાનિર્દેશક જી.પી. સિંહે આ સફળ ઓપરેશન માટે સુરક્ષાદળોની પ્રશંસા કરી હતી. આતંકવાદીના ખાતમાથી સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને કાશ્મીર ખીણમાં સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
