વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, ભારતમાં જથ્થાબંધ મોંઘવારીનું ચિત્ર ચિંતાજનક રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ સાત મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન સરેરાશ જથ્થાબંધ મોંઘવારી દર ૧૦.૧૪ ટકાના સ્તરે જળવાઈ રહ્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષની સમાન અવધિમાં માઈનસ ૦.૩૦ ટકા હતો. આ સતત સાત મહિનાથી મોંઘવારીનો આંકડો ૧૦ ટકાની અસહ્ય સપાટીથી ઉપર રહેતા સમગ્ર અર્થતંત્ર પર તેની ગંભીર અસરો વર્તાઈ રહી છે.
આ ભારે મોંઘવારી પાછળ મુખ્યત્વે ઈંધણ, વીજળી અને ઉર્જા ક્ષેત્રના વધેલા ભાવો જવાબદાર છે. આ સાત મહિના દરમિયાન ઈંધણ અને વીજળી ક્ષેત્રનો સરેરાશ મોંઘવારી દર ૨૬.૩૭ ટકા રહ્યો છે, જ્યારે કાચા તેલ અને કુદરતી ગેસની મોંઘવારીનો આંકડો તો આશ્ચર્યજનક રીતે ૪૮.૭૦ ટકા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં કાચા તેલ અને કુદરતી ગેસની કિંમતોમાં ૩૧ મહિનાનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે અને તે વધીને ૭૦.૮૦ ટકાના સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે.
માસિક ધોરણે સ્થિતિ વધુ વણસી હોય તેમ ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી દર વધીને ૧૨.૨૯ ટકા પર પહોંચ્યો છે, જે ૨૦૨૨-૨૩ના નવા આધાર વર્ષની શ્રેણીનો અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ છે. ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને ઉત્પાદિત ચીજો અને પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં થયેલા આ બેફામ વધારાને કારણે આગામી દિવસોમાં સામાન્ય જનતાના રોજિંદા વપરાશની વસ્તુઓ વધુ મોંઘી થવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
