JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

યુએસ એઆઈ ડેટા સેન્ટરોમાં ચીની ઉપકરણો પર પ્રતિબંધ મૂકવાની ડોનાલ્ડ ટ્રમ્પની તૈયારી, ટેક કંપનીઓની ચિંતા વધી

યુએસ એઆઈ ડેટા સેન્ટરોમાં ચીની ઉપકરણો પર પ્રતિબંધ મૂકવાની ડોનાલ્ડ ટ્રમ્પની તૈયારી, ટેક કંપનીઓની ચિંતા વધી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમેઝોન અને ગૂગલ જેવા દિગ્ગજોના વિરોધ છતાં એઆઈ ડેટા સેન્ટરોમાં વપરાતા ચીની ઉપકરણો પર પ્રતિબંધ મુકવા મક્કમ છે. ટેક કંપનીઓનું માનવું છે કે આ કોમ્પોનેન્ટ્સ બદલવામાં એક દાયકા જેટલો સમય લાગી શકે છે.

વર્તમાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ પાછળ રહેલા સર્વર રેક્સમાં ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ અને માઇક્રોચિપ્સનું એક એવું જટિલ નેટવર્ક જોડાયેલું છે, જેને વોશિંગ્ટન કે બેઇજિંગ સરળતાથી અલગ કરી શકે તેમ નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે સંભવિત શિખર સંમેલન પહેલાં રાજદ્વારી સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે, છતાં બંને મહાસત્તાઓ વચ્ચે એઆઈના ભૌતિક પાયાને લઈને ટેકનોલોજી શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં નવા ચીની ઓપ્ટિકલ ટ્રાન્સસીવર્સની આયાત પર રોક લગાવવાની યોજના પર સખતડગલે આગળ વધી રહ્યું છે. એમેઝોન, ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ અને સિસ્કો જેવી સિલિકોન વેલીની મોટી કંપનીઓના ભારે વિરોધ છતાં ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ પ્રતિબંધો લાગુ કરી રહ્યું છે, કારણ કે બેઇજિંગ આ હાર્ડવેરનો ઉપયોગ સંવેદનશીલ ડેટા ચોરવા કે માલવેર ઇન્સ્ટોલ કરવા માટે કરી શકે છે.

આ અગાઉ વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે થયેલી એક ગુપ્ત બેઠકમાં આ ટેકનોલોજી કંપનીઓના વડાઓએ ચેતવણી આપી હતી કે ચીનમાં બનેલા આ ટ્રાન્સસીવર્સને બદલવામાં દસ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. બજારની વાસ્તવિકતા પણ આ વાતની સાક્ષી આપે છે કેમ કે ચીની સપ્લાયર્સ વૈશ્વિક ઓપ્ટિકલ ટ્રાન્સસીવર ઉત્પાદનના લગભગ બે-તૃતીયાંશ હિસ્સા પર નિયંત્રણ ધરાવે છે, જ્યારે અમેરિકન વિકલ્પો પાસે હજુ સુધી આ ખાલીપો પૂરવા માટે પૂરતી ઉત્પાદન ક્ષમતા નથી. બીજી બાજુ, બેઇજિંગ અમેરિકાની સેમિકોન્ડક્ટર ટેકનોલોજી પરના અંકુશો હળવા કરવા માટે આક્રમક લોબિંગ કરી રહ્યું છે. ચીની વેપાર વાટાઘાટકારોએ હાઇ-બેન્ડવિડ્થ મેમરી (HBM) ચિપ્સ પરના નિકાસ પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે, જે જટિલ એઆઈ મોડેલ્સ માટે અત્યંત આવશ્યક છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે, ચીનના દુર્લભ ખનિજોની નિકાસ પરના પ્રતિબંધો અને Nvidia ના CEO જેન્સન હુઆંગ સાથે જોડાયેલા એક શંકાસ્પદ જાસૂસી વિવાદને કારણે વોશિંગ્ટનમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. કાયદા ઘડનારાઓએ કોમર્સ ડિપાર્ટમેન્ટના લૂપહોલ્સને બંધ કરવા માટે વધુ કડક દેખરેખની માંગ કરી છે. એક તરફ વ્હાઇટ હાઉસનું માનવું છે કે એફસીસીના પ્રતિબંધોને કારણે સ્થાનિક ઉત્પાદન રોકાણને પ્રોત્સાહન મળ્યું છે, તો બીજી તરફ ચીની દૂતાવાસે રાષ્ટ્રીય સુરક્ષાના ખ્યાલનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને પોતાના હિતોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ભૌગોલિક રાજકીય સુરક્ષા અને સપ્લાય ચેઇનની વાસ્તવિકતાઓ વચ્ચે ફવાયેલી અમેરિકાની એઆઈ કંપનીઓ હવે એક મુશ્કેલ સંક્રમણ કાળનો સામનો કરી રહી છે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES