JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

બોડેલીના અલ્હાદપુરા પાસેથી SMCએ ઝડપ્યો લાખોનો વિદેશી દારૂ, ચાર વાહનો સાથે પાંચ ઝડપાયા

બોડેલીના અલ્હાદપુરા પાસેથી SMCએ ઝડપ્યો લાખોનો વિદેશી દારૂ, ચાર વાહનો સાથે પાંચ ઝડપાયા
બોડેલી તાલુકાના અલ્હાદપુરા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ચાર ટુ-વ્હીલરમાંથી રૂા.3.91 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી કુલ રૂા.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બોડેલી તાલુકાના અલ્હાદપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન હાથ ધરી વિદેશી દારૂની હેરફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. SMCની ટીમે ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ વાહનોની તપાસ હાથ ધરી હતી, જેમાં એક ટીવીએસ જ્યુપિટર અને ત્રણ એક્સેસ સહિત કુલ ચાર ટુ-વ્હીલર વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ ચારેય વાહનોની સઘન તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂા.3.91 લાખ જેટલી થાય છે. પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા પાંચ ઈસમોને પણ સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યા છે.

આ કાર્યવાહીમાં પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ચાર વાહનો અને અન્ય સાધનસામગ્રી સહિત કુલ રૂા.11 લાખથી વધુનો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પાવી જેતપુર, કવાંટ અને છોટાઉદેપુર તેમજ બોડેલી તાલુકાના અંતરિયાળ અને ગ્રામ્ય માર્ગો બૂટલેગરો માટે સુરક્ષિત રસ્તા બન્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ અંતરિયાળ માર્ગો પરથી અવારનવાર એક્ટિવા, બર્ગમેન અને એક્સેસ જેવાં ટુ-વ્હીલર વાહનો દ્વારા દારૂની ખેપ બેફામપણે પહોંચાડવામાં આવે છે. બૂટલેગરો દ્વારા ઘણીવાર પાયલોટિંગ સાથે વાહનોના કાફલા પૂરઝડપે હંકારવામાં આવે છે, જેના કારણે અન્ય રાહદારીઓ અને વાહનચાલકોનો જીવ હંમેશા જોખમમાં રહે છે. આ પ્રકારે બેફામ બનતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા આ તમામ માર્ગો પર પોલીસનું સતત પેટ્રોલિંગ વધારવામાં આવે અને કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES