બુધવારે બપોરે અંદાજે ૩ વાગ્યે દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-૩ ના ડિપાર્ચર ગેટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં માન્ય પ્રવાસ દસ્તાવેજો અને ટિકિટ વિના એક યુવકે એરપોર્ટના સુરક્ષા ઘેરાને તોડીને અંદર ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો. હરિયાણાના રહેવાસી આ યુવકે એરપોર્ટના પ્રવેશદ્વાર પર તૈનાત CISF ના જવાનો સાથે ધક્કામુક્કી કરીને અંદર જવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટનાનો ૨૫ સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેમાં સુરક્ષા કર્મચારીઓ યુવકને રોકવા માટે ભારે જહેમત ઉઠાવતા નજરે પડે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CISF ના જવાનોએ અસાધારણ સતર્કતા અને ત્વરિત કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે એક જવાન તેને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે અન્ય હથિયારધારી જવાનો પણ તાત્કાલિક મદદ માટે દોડી આવે છે અને ગણતરીની સેકન્ડોમાં જ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ની મદદથી આ યુવકને કાબૂમાં લઈ લેવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓના સમયસરના પગલાંથી એરપોર્ટ પર કોઈ મોટી સુરક્ષા ચૂક કે અનિચ્છનીય બનાવ બનતા અટકી ગયો હતો, જે CISF ની સજ્જતા દર્શાવે છે.
પકડાયેલા યુવકના બેકપેકની તલાશી લેતા તેમાંથી કેટલાક ઓળખપત્રો અને શૈક્ષણિક પ્રમાણપત્રો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેના પિતાનો સંપર્ક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુવક માનસિક અસ્થિરતા ધરાવે છે અને ડ્રગ્સની લતનો શિકાર છે. દિલ્હી એરપોર્ટ એ હાઇ-સિનસિટીવ કેટેગરીમાં આવતી અત્યંત સંવેદનશીલ જગ્યા છે જ્યાં રોજ લાખો મુસાફરોની અવરજવર રહે છે. આ યુવકને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો છે.
