JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

નાગપુરમાં ફ્લેટ સમયસર ન આપવો બિલ્ડરને મોંઘો પડ્યો, ગ્રાહક આયોગે રૂ. 1.26 કરોડ પરત આપવાનો કર્યો આદેશ

નાગપુરમાં ફ્લેટ સમયસર ન આપવો બિલ્ડરને મોંઘો પડ્યો, ગ્રાહક આયોગે રૂ. 1.26 કરોડ પરત આપવાનો કર્યો આદેશ
રાષ્ટ્રીય ગ્રાહક આયોગે વર્ષોના વિલંબ છતાં ફ્લેટનો કબજો ન સોંપનાર નાગપુરના બિલ્ડર સામે કડક કાર્યવાહી કરી છે. આયોગે ઘર ખરીદનાર ગ્રાહકને ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે રૂ. ૧.૨૬ કરોડથી વધુની રકમ રિફંડ કરવાનો અને કાનૂની ખર્ચ પેટે રૂ. ૧ લાખ ચૂકવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.

નાગપુરના સોમલવાડા વિસ્તારમાં આવેલા 'એનરિકો હાઇટ્સ' પ્રોજેક્ટના વિસ્ટિરીયા ટાવરમાં પ્રતાપ પ્રેમચંદ અગ્રવાલે ૨૧ નવેમ્બર ૨૦૧૧ના રોજ રૂ. ૧૧ લાખ ચૂકવીને એક ફ્લેટ બુક કરાવ્યો હતો. આશરે ૨,૫૭૩ ચોરસ ફૂટના આ ફ્લેટ માટે રૂ. ૧.૭૦ કરોડથી વધુની કુલ કિંમત નક્કી કરવામાં આવી હતી અને એપ્રિલ ૨૦૧૩માં બિલ્ડર સાથે વેચાણ કરાર પણ કરવામાં આવ્યો હતો. કરાર મુજબ બિલ્ડરે ૩૦ મહિનાની અંદર અર્થાત્ ૧૨ ઓક્ટોબર ૨૦૧૫ સુધીમાં બાકામ પૂર્ણ કરી ફ્લેટ સોંપવાનો હતો, પરંતુ વર્ષો વીતી જવા છતાં પ્રોજેક્ટ પૂરો થયો નહોતો. જુલાઈ ૨૦૧૯માં જ્યારે બિલ્ડરે ફ્લેટનો કબજો ઓફર કર્યો, ત્યારે ગ્રાહકે રૂબરૂ તપાસ કરતાં ફ્લેટ અધૂરો અને રહેવા લાયક ન હોવાનું જણાયું હતું, જેને લઈને ગ્રાહકે રાષ્ટ્રીય ગ્રાહક આયોગના દરવાજા ખખડાવ્યા હતા.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સુદીપ અહલુવાલિયા અને ડૉ. સાધના શંકરની બિંચે નોંધ્યું કે બિલ્ડરે નિર્ધારિત સમયમર્યાદામાં કે ગ્રેસ પિરિયડમાં પણ ફ્લેટ તૈયાર કર્યો ન હતો અને રેકોર્ડ પર કોઈ માન્ય કમ્પ્લીશન કે ઓક્યુપેશન સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું નહોતું. બિલ્ડરે બચાવ કર્યો હતો કે તેણે બેંક લોનની ચુકવણી માટે કેનેરા બેંકને રૂ. ૧.૩૧ કરોડ ચૂકવ્યા છે, તેથી રિફંડમાંથી આ રકમ બાદ થવી જોઈએ. પરંતુ આયોગે આ દલીલ ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે બિલ્ડરે તે નાણાં પોતાની જવાબદારી રૂપે બેંકને ચૂકવ્યા હતા, જે ગ્રાહકે ભરેલી રકમ સામે રિફંડ ગણી શકાય નહીં. ગ્રાહકે સીધા બિલ્ડરને અને હોમ લોનના હપ્તા (EMI) દ્વારા કુલ રૂ. ૧,૨૬,૪૪,૩૬૫.૯૭ ચૂકવ્યા હોવાથી તે પરત મેળવવા માટે હકદાર છે.

આ આદેશ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક આયોગે યુનિવર્સિટી ડ્રિંક્સ પ્રાઇવેટ લિમિટેડ (બિલ્ડર કંપની) ને આદેશ આપ્યો છે કે તે ગ્રાહક પાસેથી વસૂલેલી રૂ. ૧,૨૬,૪૪,૩૬૫.૯૭ ની રકમ પર ચુકવણીની તારીખથી લઈને વાસ્તવિક ચુકવણી સુધી ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરે. આ ઉપરાંત, કેસના ખર્ચ પેટે વધારાના રૂ. ૧ લાખ ચૂકવવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. કંપનીએ આ આદેશનું પાલન આઠ અઠવાડિયાની અંદર કરવાનું રહેશે, અને જો નિર્ધારિત સમયમાં રકમ નહીં ચૂકવાય તો ડિફોલ્ટ પિરિયડ દરમિયાન વાર્ષિક ૧૨ ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES