JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સંગીતના અનોખા પ્રતીક સમાન એલ્ટન જોનના પ્રખ્યાત પિયાનોની હરાજી કરાશે

સંગીતના અનોખા પ્રતીક સમાન એલ્ટન જોનના પ્રખ્યાત પિયાનોની હરાજી કરાશે
લંડનના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે મૂકવામાં આવેલો એલ્ટન જોનનો હસ્તાક્ષરવાળો પ્રખ્યાત પિયાનો હવે હરાજીમાં મૂકવામાં આવશે. આગામી વર્લ્ડ એઈડ્સ ડેના ઉપલક્ષ્યમાં યોજાનારી આ હરાજીથી મળતી તમામ રકમ એલ્ટન જોન એઈડ્સ ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવશે.

વર્ષ ૨૦૧૬માં ફેબ્રુઆરી મહિનામાં સુપ્રસિદ્ધ પોપ ગાયક એલ્ટન જોને લંડનના સેન્ટ પેનક્રાસ ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશન પર અચાનક પહોંચીને એક શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાના ૩૩મા સ્ટુડિયો આલ્બમની ઉજવણીના ભાગરૂપે આ પિયાનો સ્ટેશન પર આવતા મુસાફરો માટે ભેટમાં આપ્યો હતો. તેમણે આ પિયાનો પર પોતાની સહી કરીને મુસાફરોને સંગીતનો આનંદ માણવા માટે આહ્વાન કર્યું હતું. છેલ્લા એક દાયકા દરમિયાન આ પિયાનો માત્ર સ્ટેશનની શોભા જ નહોતો વધાર્યો, પરંતુ અસંખ્ય સામાન્ય મુસાફરો ઉપરાંત એલિસિયા કીઝ, જ્હોન લેજન્ડ અને જેફ ગોલ્ડબ્લમ જેવા દિગ્ગજ સંગીતકારોના સ્પર્શથી પણ ધન્ય બન્યો હતો.

આ ઐતિહાસિક પિયાનોની આગામી ૨૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર વચ્ચે 'ધ ઓક્શન કલેક્ટિવ' દ્વારા હરાજી કરવામાં આવશે, જેનું અનુમાનિત મૂલ્ય ૧,૨૦,૦૦૦ થી ૨,૫૦,૦૦૦ પાઉન્ડ વચ્ચે આંકવામાં આવ્યું છે. હરાજી પહેલાં ૨૧ નવેમ્બરે આ પિયાનોને એક દિવસ માટે જનતાના દર્શનાર્થ ફરીથી સેન્ટ પેનક્રાસ સ્ટેશન પર મૂકવામાં આવશે જેથી લોકો તેને છેલ્લીવાર નિહાળી શકે. ૧ ડિસેમ્બરે આવનારા 'વર્લ્ડ એઈડ્સ ડે' પહેલાં યોજાઈ રહેલી આ હરાજીનો મુખ્ય હેતુ એલ્ટન જોન એઈડ્સ ફાઉન્ડેશન માટે ફંડ એકત્ર કરવાનો છે, જે વર્ષ ૧૯૯૨થી એચઆઈવી વિરોધી લડાઈ અને દર્દીઓની સારવાર માટે કાર્યરત છે.

એલ્ટન જોન એઈડ્સ ફાઉન્ડેશનની વેટરન ચીફ એક્ઝિક્યુટિવ એની એસ્લેટના જણાવ્યા અનુસાર, આ પિયાનો માત્ર એક સંગીતનાં સાધન કરતાં વિશેષ છે કારણ કે તે લોકપ્રિય સંસ્કૃતિ અને સંગીતના ઇતિહાસનું એક જીવંત પ્રતીક બની ગયું છે. ટેક્સ અને પ્લેટફોર્મની ફી બાદ હરાજીમાંથી મળનારી સંપૂર્ણ રકમ સીધી ફાઉન્ડેશનમાં જશે, જે વૈશ્વિક સ્તરે એચઆઈવી સંક્રમણ અટકાવવા અને જરૂરિયાતમંદોને સહાય કરવામાં ઉપયોગી સાબિત થશે. એક સાધારણ સ્ટેશન પર મુસાફરો માટે શરૂ થયેલી સંગીતની આ સફર હવે વૈશ્વિક માનવતાવાદી મિશનમાં પરિવર્તિત થઈ ગઈ છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES