જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખામધ્રોળ રોડ વિસ્તાર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ૬૬ કેવી સબ-સ્ટેશનના રસ્તે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની સફેદ રંગની અલ્ટો કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવીને તલાસી લીધી હતી. કારની પાછળની સીટ પરથી પ્લાસ્ટિકના કોથળામાં છુપાવેલો અંદાજે ૨૯.૬૩૪ કિલોગ્રામ વજનનો વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા ૧૪,૮૧,૭૦૦ આંકવામાં આવી છે.
પોલીસે આ કેસમાં સક્રિય સંડોવણી ધરાવતા ઇલિયાસ ઉર્ફે ટીપુ અલી મકરાણી, ઇમ્તિયાઝ ઉર્ફે ડહો અબ્દુલ સમા અને વારિસ ખાન મહેબૂબ ખાન પઠાણ નામના ત્રણ શખ્સોને ઘટનાસ્થળેથી જ રાઉન્ડ અપ કરી કસ્ટડીમાં લીધા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત કાર, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧૬,૧૨,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ (NDPS Act) હેઠળ ગંભીર ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની સઘન પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે આ મોટા રેકેટ પાછળ અમીર અલી મકરાણી નામના શખ્સે પંદર દિવસ અગાઉ બહારથી આ ગાંજો મંગાવીને વારિસ ખાનને સાચવવા માટે આપ્યો હતો. એટલું જ નહીં, તેના કહેવાથી અલ્તાફ અને મુસ્તાક મિયા પણ આ ગેરકાયદેસર જથ્થો છૂટક વેચાણ માટે લેતા હતા. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે મુખ્ય સૂત્રધાર અમીર અલી મકરાણી તેમજ તેના બે સહયોગીઓ અલ્તાફ ભીખુદીન મકરાણી અને મુસ્તાક મિયા કાદરીને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
