અમરેલી શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીના લાઠી રોડ પર રહેતા અને ખાનગી ક્ષેત્રે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશભાઈ કનુભાઈ સોસા ગત તારીખ ૧૫ ના રોજ રાત્રિના સુમારે પોતાના મિત્ર સાથે મોટરસાયકલ પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમનું વાહન અમરેલીના બાયપાસ રોડ પર આવેલા ટોયોટા શો-રૂમ પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે બેફામ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરી આ મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલની પાછળ બેઠેલા જીગ્નેશભાઈ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા શરમ આવે તેવી રીતે અજાણ્યો વાહનચાલક પોતાના વાહનને ઘટનાસ્થળેથી પૂરઝડપે ભગાડીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગંભીર ઇજાઓના કારણે લોહીલુહાણ થયેલા જીગ્નેશભાઈનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને લોકો એકત્રિત થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાનના પરિવારજનોમાં આ અચાનક થયેલા આઘાતજનક મૃત્યુથી શોકનું મોજું ફરી વળ્યું છે. આ મા અંગે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે અમરેલી પોલીસ સ્ટેશનમાં નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓની મદદથી ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
