JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફીયાઓ પર પોલીસની લાલ આંખ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફીયાઓ પર પોલીસની લાલ આંખ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ઝાલાવાડમાં ગેરકાયદેસર ખનન અને વહન સામે વહીવટી તંત્ર અને પોલીસે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી, થાન, મુળી અને સાયલા પંથકમાં દરોડા પાડીને લાખો રૂપિયાની કિંમતનું ખનીજ અને મશીનરી જપ્ત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ગેરકાયદેસર ખનન અને ખનીજ વહન સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. લીંબડી તાલુકાના શીયાણી ગામની સીમમાં સરકારી જમીન પર ધમધમતા ગેરકાયદેસર રેતીના વોશપ્લાન્ટ પર લીંબડી પોલીસે દરોડો પાડીને મોટો પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ડમ્પર, લોડર, જનરેટર અને રેતીનો જથ્થો મળી કુલ રૂપિયા १५ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ લીંબડી-સાયલા હાઈવે પર પોલીસની સંયુક્ત ટીમે વોચ ગોઠવીને પાસ-પરમિટ વગરના અને ઓવરલોડ ખનીજ ભરેલા ૩ ડમ્પરોને પણ ડિટેઈન કર્યા છે, જેના કારણે ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

બીજી તરફ, થાનગઢ પંથકમાં પણ ખનીજ માફીયાઓ સામે સખત પગલાં લેવામાં આવ્યા છે. થાન પોલીસે વેલાળા અને જામવાળી ગામની સીમમાં કાર્બોસેલના ગેરકાયદેસર ખનન પર ઓચિંતી રેડ કરી હતી. વેલાળામાંથી ટ્રેક્ટર અને કાર્બોસેલનો જથ્થો મળી રૂપિયા ૮.૧૦ લાખ અને જામવાળીમાંથી ૧૭ લોખંડના પાઈપ, ૭ ડિઝલ ચરખી તથા ૪૦૦ મેટ્રિક ટન કાર્બોસેલ મળી કુલ રૂપિયા ૧૭.૬૫ લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મુળીના આસુંદ્રાળી અને સાયલાના ચોરવીરા ગામે પણ ગેરકાયદેસર ખનન અને ૧૫ જેટલા ગેરકાયદેસર કુવાઓ ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી અંતર્ગત જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલને સીઝ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. જિલ્લામાં એકસાથે અનેક સ્થળોએ કરવામાં આવેલી આ તોફાની રેડ્સથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં નાસભાગ મચી ગઈ છે. પ્રશાસનની આ કડક ભૂમિકાથી આગામી દિવસોમાં ખનન માફીયાઓની પ્રવૃત્તિઓ પર કાયમી લગામ કસાશે તેવી લોકચર્ચા જાગી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES