કેરળના કન્નૂર જિલ્લામાં ફેબ્રુઆરી ૨૦૧૨માં બનેલી મુસ્લિમ લીગના યુવા કાર્યકર અરિયિલ શુક્કૂરની હત્યાના મામલે કોચીની વિશેષ સીબીઆઈ કોર્ટે લાંબી કાનૂની લડાઈ બાદ ગુરુવારે પોતાનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસમાં ૧૩ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, પરંતુ સીપીએમ (CPM) ના દિગ્ગજ નેતાઓ પી. જયરાજન અને ટી.વી. રાજેશ સહિત ૧૮ આરોપીઓને પુરાવા અને દોષ સાબિત ન થવાના કારણે નિર્દોષ જાહેર કરીને મુક્ત કરી દીધા છે. આ હત્યાકાંડે તે સમયે સમગ્ર કેરળના રાજકારણમાં હડકંપ મચાવી દીધો હતો અને ત્યારથી આ કેસ રાજ્યની રાજનીતિના કેન્દ્રસ્થાને રહ્યો છે. કન્નૂર વિસ્તારમાં બે રાજકીય પક્ષો વચ્ચેની હિંસાનું આ એક ખૂબ જ ઘાતક ઉદાહરણ બની ગયું હતું, જેને લઈને અનેક રાજકીય સમીકરણો પણ બદલાયા હતા.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ થઈ હતી, જ્યારે કન્નૂરના અરિયિલ વિસ્તારમાં સીપીએમ અને મુસ્લિમ લીગના કાર્યકરો વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. બીજા દિવસે સવારે સીપીએમ નેતાઓની ગાડી પર હુમલો થયાના બદલાારૂપે, ક્રિકેટ રમીને પરત ફરી રહેલા શુક્કૂર અને તેના મિત્રોનો વિરોધી જૂથ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ શુક્કૂરને કીઝહારા વલ્લુવાન કડાવુ પાસે એક ઘરમાં બંધક બનાવ્યો અને બાદમાં તેને ચુલ્લિયોડેના ડાંગરમાં લઈ જઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ હુમલામાં શુક્કૂરનો સાથી જકરિયા ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ તે નસીબજોગ બચી ગયો હતો, જેના નિવેદને આ કેસની તપાસમાં સૌથી મોટો પાયો પૂરો પાડ્યો હતો.
આ કેસની તપાસ દરમિયાન સીબીઆઈએ એવો ગંભીર આરોપ મૂક્યો હતો કે શુક્કૂરની હત્યાનું મોટું કાવતરું તાલીપારંબા કોઓપરેટિવ હોસ્પિટલના રૂમ નંબર ૩૧૫ માં ઘડવામાં આવ્યું હતું, જ્યાં ગાડી પર થયેલા હુમલા બાદ સીપીએમ નેતાઓ જયરાજન અને રાજેશ દાખલ હતા. સીબીઆઈએ ૨૦૧૯માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં બંને નેતાઓ પર કાવતરાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ વિશેષ કોર્ટે તેમને પુરાવાઆ અભાવે મુક્ત કરી દીધા છે. ચૂકાદો આવ્યા બાદ મુસ્લિમ લીગના વરિષ્ઠ નેતા અને મંત્રી પી.કે. કુન્હાલીકુટ્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી આ ચૂકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરશે અને શુક્કૂર માટે ન્યાય મેળવવા માટેની કાનૂની લડાઈ ચાલુ રાખશે.
