બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પાસે રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના એક મસમોટા નેટવર્કનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના મેથીપુરા બોર્ડર તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આશરે 8 જેટલી ગાડીઓ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઠાલવવા માટે આવી રહી હોવાની ચોક્કસ બાતમી SMCને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દાંતીવાડાના મારવાડા અને ડેરી ગામ નજીક વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને બુટલેગરોએ પોતાના વાહનો પૂરઝડપે ભગાડવાની કોશિશ કરી હતી, જેના પગલે સમગ્ર પંથકમાં નાસભાગ મચી ગઈ હતી અને મોટો રોમાંચક ખેલ જોવા મળ્યો હતો.
આ દારૂની લાઇનનું પાયલોટિંગ કરી રહેલી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર ગાડીના ચાલકોએ પોલીસની સરકારી ક્રેટા ગાડીને જોરદાર ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, બુટલેગરોએ પોલીસ જવાનો અને પંચોને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પર ગાડીઓ ચડાવીને કચડી નાખવાનો ઘાતકી પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મી ઢબના પીછા અને નાસભાગ દરમિયાન રસ્તા પર ઊભેલી એક અબોલ ગાય પણ બુટલેગરોની ગાડીની અડફેટે આવી ગઈ હતી, જેને ગંભીર ઈજાઓ પહોંચતા પશુ ક્રૂરતાનો મામલો પણ સામે આવ્યો છે. પોલીસ પર હુમલો કર્યા બાદ તમામ 8 ગાડીઓ રાજસ્થાનના મેથીપુરા તરફ પરત ભાગી છૂટી હતી, છતાં SMCની ટીમે હિંમત હાર્યા વગર પીછો ચાલુ રાખ્યો હતો.
અંતે આ ઓપરેશનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી 3 ગાડીઓ SMCની ટીમે કબજે કરીને દાંતીવાડા પોલીસ મથકે લાવી હતી, જ્યારે બાકીની 5 ગાડીઓ રાજસ્થાન પોલીસે ઝડપી પાડી હતી. આ સમગ્ર ગંભીર મામલે SMCના ASI મયુરકુમાર કોરડિયા દ્વારા દાંતીવાડા પોલીસ મથકે પાયલોટિંગ કરનાર ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા, પ્રદીપ મેવાડા અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સંગઠિત ગુનાખોરી અને પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીના સમયે બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસની આ લાલ આંખથી આગામી સમયમાં આ મોટા રેકેટના અન્ય મોટા માથાઓના નામ પણ ખુલે તેવી પૂરી સંભાવના છે.
