JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

આઈઆઈએમ બેંગ્લોરની પૂર્વ વિદ્યાર્થીની અને ૫૦ લાખના પેકેજવાળી સોફ્ટવેર એન્જિનિયરે માતા સાથે અપનાવી જૈન દીક્ષા

આઈઆઈએમ બેંગ્લોરની પૂર્વ વિદ્યાર્થીની અને ૫૦ લાખના પેકેજવાળી સોફ્ટવેર એન્જિનિયરે માતા સાથે અપનાવી જૈન દીક્ષા
ગુડગાંવની ૩૭ વર્ષીય અક્ષિતા જૈને ૫૦ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ અને આઈઆઈએમની આકર્ષક કારકિર્દી છોડીને પોતાની ૬૧ વર્ષીય માતા સાથે જૈન સાધ્વી બનવાનો આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો છે. વૈભવી જીવન અને મોટો હોદ્દો ત્યજીને તેમણે લીધેલા આ ક્રાંતિકારી પગલાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ગુડગાંવના રહેવાસી અક્ષિતા જૈનનું જીવન બહારથી એક સફળ અને ઉજ્જવળ કોર્પોરેટ કહાની જેવું લાગતું હતું. આઈઆઈએમ બેંગ્લોર જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી એમબીએની પદવી મેળવનાર અક્ષિતાએ મર્સીડીઝ બેન્ઝ, ફિયાટ અને વોક્સવેગન જેવી વૈશ્વિક ઓટોમોબાઈલ દિગ્ગજ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર સેવાઓ આપી હતી. વોક્સવેગન કંપનીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરતી વખતે તેઓ વાર્ષિક આશરે ૫૦ લાખ રૂપિયાનું મસમોટું પેકેજ મેળવી રહ્યા હતા. તેમ છતાં, ભૌતિક સુખ-સુવિધાઓ અને ભીડભાડવાળી કોર્પોરેટ નગરીથી દૂર એક અલગ જ આધ્યાત્મિક શાંતિની તેમની ખોજ હવે પૂર્ણ થવા જઈ રહી છે.

તેમના આધ્યાત્મિક પરિવર્તન પાછળ એક રસપ્રદ અને સંવેદનશીલ વળાંક આવ્યો હતો. વોક્સવેગનમાં એઆઈ પર કામ કરતી વખતે અક્ષિતાનું ધ્યાન ડેટા સેન્ટરોના નિર્માણથી પર્યાવરણ પર પડતી વિપરીત અસરો તરફ ગયું. જમીનની ખોદકામ પ્રક્રિયા અને તેનાથી જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવાણુઓને નુકસાન પહોંચવાની ચિંતાએ તેમને પૃથ્વી અને પ્રકૃતિ સાથેના ઊંડા સંબંધો વિશે વિચારતા કરી દીધા. ધીમે ધીમે આંતરિક મંથનને અંતે તેમણે સાંસારિક મોહમાયા છોડીને અહિંસા અને ત્યાગના માર્ગે ચાલવાનો મક્કમ નિર્ણય લીધો, જે તેમના આશ્ચર્યજનક દીક્ષા ગ્રહણ પાછળનું મુખ્ય પ્રેરક બળ સાબિત થયું.

અક્ષિતા આ આધ્યાત્મિક યાત્રામાં એકલા નથી, પરંતુ તેમની સાથે તેમની ૬૧ વર્ષીય માતા શિરોમણી બજાજ પણ જોડાયા છે. શિરોમણીબેન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)માંથી ચીફ મેનેજર તરીકે નિવૃત્ત થયા છે અને તેમણે પણ દાયકાઓની પારિવારિક તથા વ્યવસાયિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ સંસાર ત્યાગવાનો નિર્ણય કર્યો છે. માતા-પુત્રીની આ જોડી હવે ગુડગાંવની પોતાની સુખમય દુનિયા પાછળ છોડીને જૈન સાધ્વી તરીકેનું સંયમી જીવન અપનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જે વર્તમાન સમયમાં ધર્મ અને વૈરાગ્યનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે.

LATEST ARTICLES