લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સોનિયા ગાંધીના પુસ્તક વિમોચન પ્રસંગે પોતાના માતા-પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પારિવારિક સંબંધો વિશે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાના ભોજન સમયે ખોળામાં માતા બેસતી અને તેમને આ વાત એક સામાન્ય બાબત લાગતી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને ભાજપ તથા આરએસએસના સમર્થકો દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી. આ ટીકાઓનો વળતો જવાબ આપતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે આવા લોકોના હૃદયમાં ડર, ગુસ્સો અને નફરતે એક જાળ બનાવી દીધી છે, જે તેમને પ્રેમ અનુભવતા અટકાવે છે.
પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે એક સાચા હિન્દુ તરીકે તેમની ફરજ છે કે તેઓ ભાજપ અને આરએસએસના સમર્થકોને આ નફરતની જાળમાંથી મુક્ત કરે. તેમણે ઉમેર્યું હતું કે આ મુક્તિ બાદ તેઓ પણ પોતાના જીવનમાં પ્રેમ અને અપનાવવાની ભાવનાની સુંદરતા તથા આનંદ અનુભવી શકશે. આ પોસ્ટના અંતે તેમણે 'સત્યમ શિવમ સુંદરમ'નો ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ હલેબીડુ મંદિરની હોયસળ કાળની એક શિલ્પકૃતિ પણ શેર કરી હતી. આ શિલ્પમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીને નંદી પર સાથે બિરાજમાન દર્શાવવામાં આવ્યા છે, જે દૈવી યુગલ વચ્ચેના ગાઢ પ્રેમ અને કરુણાનું પ્રતીક છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ઇતિહાસના સંદર્ભો ટાંકીને આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. પક્ષ તરફથી સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે ઐતિહાસિક સ્મારકો અને ધાર્મિક સ્થળો પર આક્રમણ કરીને તેને નુકસાન પહોંચાડનારા અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કાફુર અને મુહમ્મદ બિન તુગલકની સેનાની ટીકા કેમ નથી કરવામાં આવતી. હલેબીડુમાં આજે પણ દેવતાઓની ખંડિત મૂર્તિઓ તે દુઃખદ ઇતિહાસની ગવાહી આપી રહી છે. એક તરફ વ્યક્તિગત જીવનના સંસ્મરણો પર રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ આ મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુગ્ધ તેજ બન્યું છે.
