વૈશ્વિક સ્તરે ટાલ પડવાની અને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન લાખો લોકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ચીનની પ્રતિષ્ઠિત બેઇજિંગ યુનિવર્સિટીના સંશોધકોએ 'ડિટેંગલ' નામની એક અત્યાધુનિક ઇલેક્ટ્રિક કાંસકો સિસ્ટમ તૈયાર કરી છે, જે દેખાવમાં સાધારણ લાગે છે પરંતુ તેના પરિણામો અત્યંત ચમત્કારિક છે. આ ઇલેક્ટ્રિક કાંસકામાં અલગ-અલગ લંબાઈના વિશેષ દાંતા આપવામાં આવ્યા છે જેમાં દવાઓ ભરવાની પણ સગવડ છે. તેના દાંતા સામાન્ય ઇલેક્ટ્રોડ્સની સરખામણીમાં ૨.૬૩ ગણા વધુ મજબૂત વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે, જેનાથી ત્વચાની અંદર વાળના મૂળ સુધી હળવા વીજળીના આંચકા પહોંચે છે અને બહારથી લગાવાતી સામાન્ય દવાઓની તુલનામાં તે આશરે નવ ગણા વધુ ઊંડાણ સુધી અસર કરે છે.
આ અનોખો કાંસકો મુખ્યત્વે બે અદ્ભુત પદ્ધતિઓ પર કામ કરે છે. પ્રથમ, તેના દાંતામાંથી પ્રસારિત થતી હળવા વીજપ્રવાહના માધ્યમથી વાળના નિષ્ક્રિય બનેલા મૂળને સક્રિય કરવામાં આવે છે જે નવા વાળના વિકાસમાં સીધો ફાળો આપે છે. બીજા ચરણમાં આ વિદ્યુત પ્રવાહ ત્વચાના કોષોની બાહ્ય સપાટીને એવી રીતે પ્રભાવિત કરે છે કે જેથી તેમાં ભરેલી વિશેષ દવાઓ ખૂબ જ સરળતાથી અંદર ઉતરીને સીધી વાળનાં મૂળ સુધી પહોંચી શકે. આ સિસ્ટમ દ્વારા વૈજ્ઞાનિકોએ ઉંદરો પર કરેલા ૨૮ દિવસના પ્રયોગોમાં ચોંકાવનારા પરિણામો નોંધાયા છે, જેમાં વીજળી અને વિશેષ દવાઓના સંયુક્ત ઉપયોગથી માત્ર એક જ મહિનામાં આશ્ચર્યજનક રીતે ૯૭.૮૫ ટકા સુધી વાળ સફળતાપૂર્વક પાછા આવ્યા છે.
આધુનિક જીવનશૈલી અને પ્રદૂષણને કારણે ભારતમાં પણ ટાલ અને વાળ પાતળા થવાની સમસ્યા અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ટ્રાઇકોલોજી'માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ ૩૦ થી ૫૦ વર્ષની વય જૂથના ૫૮ ટકા જેટલા ભારતીય પુરુષો કોઈને કોઈ સ્તરે ટાલની સમસ્યાથી પ્રભાવિત છે, જેમાં ખાસ કરીને ૪૦ થી ૪૫ વર્ષની વયના પુરુષોમાં આ પ્રમાણ ૭૩.૨ ટકા સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત અંદાજે ૨૦ થી ૩૦ ટકા ભારતીય મહિલાઓ પણ વાળ પાતળા થવાની કાયમી સમસ્યાનો સામનો કરી રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલો આ નવો ઇલેક્ટ્રિક કાંસકો આ તમામ પીડિતો માટે ભવિષ્યમાં આશાનું મોટું કિરણ બની રહેશ તેવી પૂરી સંભાવના છે.
