અમેરિકાના મિશિગન ખાતે સ્માર્ટવોચ ટેકનોલોજીમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવવાના અહેવાલ સામે આવ્યા છે, જ્યાં ટૂંક સમયમાં જ સ્માર્ટવોચ માત્ર હાર્ટબીટ કે સ્ટેપ કાઉન્ટ કરવા પૂરતી મર્યાદિત નહીં રહે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના કુશળ એન્જિનિયરોએ આ દિશામાં મોટું પગલું ભરતા 'ઈઆઈટીવોચ' અને 'ટ્રાન્સફર' નામની બે અત્યાધુનિક સિસ્ટમ તૈયાર કરી છે. આ નવી ટેકનોલોજી કાંડા પર પહેરેલી ઘડિયાળના માધ્યમથી ત્વચાની નીચે થતી માંસપેશીઓની હલચલને સચોટ રીતે સમજી શકશે અને યુઝરના હાથ તથા આંગળીઓની દરેક ગતિવિધિને એકદમ સરળતાથી ટ્રેક કરી શકશે. રિસર્ચ પ્રોટોટાઈપ દરમિયાન આ ઈઆઈટીવોચે હાથના ૬ સામાન્ય ઈશારાને ૯૨ ટકાથી પણ વધુ ચોકસાઈ સાથે ઓળખી કાઢ્યા છે, જે આ ટેકનોલોજીની મોટી સફળતા દર્શાવે છે.
આ ટેકનોલોજીનું સૌથી મોટું જમા પાસું તેની પ્રાઈવસી સુરક્ષા છે, કારણ કે સામાન્ય રીતે હાથને ટ્રેક કરવા માટે કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પ્રાઈવસી જોખમાવવાનો પૂરેપૂરો ખતરો રહે છે. આ નવો આવિષ્કાર કોઈપણ જાતના કેમેરા વગર માત્ર કાંડાના સંપર્કમાં રહીને જ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે કામ કરે છે. ખાસ કરીને જે વ્યક્તિગત યુઝરના હાથના માપ અને હલચલ મુજબ આ સિસ્ટમને સેટ કરવામાં આવે ત્યારે તેનું પરિણામ સર્વોત્તમ મળે છે. ભવિષ્યમાં યુઝર્સે સ્માર્ટવોચની સ્ક્રીનને સ્પર્શ કરવાની પણ જરૂર નહીં પડે, માત્ર અંગૂઠા કે આંગળીઓના સામાન્ય સંકેતોથી જ મેસેજ ટાઈપ કરવા, મેસેજ મોકલવા કે મનપસંદ ગીતો બદલવા જેવી અનેક દૈનિક ક્રિયાઓ અત્યંત સરળતાથી સંપન્ન થઈ શકશે.
આ ટેકનોલોજી માત્ર મનોરંજન કે સુવિધા પૂરતી સીમિત નથી, પરંતુ તબીબી અને માનવતાવાદી દ્રષ્ટિએ પણ અત્યંત ઉપયોગી સાબિત થવાની છે. જે દિવ્યાંગજનો ટચસ્ક્રીનનો ઉપયોગ કરી શકતા નથી તેમના માટે આ સ્માર્ટવોચ આશીર્વાદરૂપ બનશે. આ ઉપરાંત, પાર્કિન્સન અને અલ્ઝાઈમર જેવા ગંભીર રોગોથી પીડિત દર્દીઓ માટે પણ આ ટેકનોલોજી અત્યંત ફાયદાકારક નીવડશે કારણ કે તે હાથના ખેંચાણ કે કંપનને પ્રારંભિક તબક્કામાં જ પકડી લેવાની ક્ષમતા ધરાવે છે. આ અદભુત સિસ્ટમ દ્વારા કપરા સંજોગોમાં માત્ર આંગળીઓના ઈશારાથી જ ઈમરજન્સી મદદ પણ માંગી શકાશે, જે આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ કદમ ગણવામાં આવી રહ્યું છે.
