ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને બુટલેગરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. ગાંધીનગર એલસીબી-૧ ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દહેગામ તાલુકાના નાંદોલ ગામની સીમમાં એક સઘન દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે કલ્પના પણ ન કરી હોય તેવા મોટા પાયે છુપાવેલા વિદેશી દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે નાંદોલ ગામની સીમમાં આવેલા નીલકંઠ મહાદેવના છપરા પાસે આરોપી રણજીતસિંહ દિનેશજી ઠાકોરના ઘરની બાજુની ઓરડીમાં આ કાળો કારોબાર ચાલતો હતો. કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બુટલેગરોએ આ ઓરડીની નીચે એક વિશાળ ભોંયરાનું નિર્માણ કર્યું હતું, જ્યાં વિદેશી દારૂ અને બિયરના ટીનનો મોટો જથ્થો ગુપ્ત રીતે સંઘરી રાખવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે આ ભોંયરાની તલાશી લીધી ત્યારે ત્યાંથી કુલ ૮,૭૪૪ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેને જોઈને દરોડા પાડનાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ સફળ દરોડામાં પોલીસે વિદેશી દારૂ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા ૧૪.૪૨ લાખથી વધુનો મસમોટો મુદ્દામાલ હસ્ગત કર્યો છે. જો કે, પોલીસ રેડની ગંધ અગાઉથી જ આવી જવાથી મુખ્ય આરોપી રણજીતસિંહ દિનેશજી ઠાકોર સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસે નાસી છૂટેલા મુખ્ય આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કડક ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો વેગવંતા ગતિમાન કર્યા છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની પણ સઘન તપાસ શરૂ કરી છે.
