મહેસાણા જિલ્લાના પ્રાચીન અને ઐતિહાસિક વડનગર ખાતે આગામી ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા ગૌરવવંતા 'તાના-રીરી મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડનગરની નાગર કન્યાઓ તાના અને રીરીએ ભૈરવ, વસંત, દીપક અને મલ્હાર જેવા અટપટા રાગોને આત્મસાત કર્યા હતા. સંગીત જગતમાં આજે પણ આ બંને બહેનોનું નામ અત્યંત આદર સાથે લેવાય છે. ઇતિહાસ અનુસાર, મુઘલ સમ્રાટ અકબરના દરબારના નવરત્નોમાં સામેલ સંગીત સમ્રાટ તાનસેને દીપક રાગ ગાતી વખતે થયેલી ભૂલને કારણે પોતાના શરીરમાં પ્રગટેલા અગ્નિદાહને શમાવવા સમગ્ર દેશમાં ભ્રમણ કર્યું હતું. આ દરમિયાન વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને મેઘવૃષ્ટિ સર્જી હતી અને તાનસેનના શરીરનો દાહ શાંત કરી તેમને નવું જીવન બક્ષ્યું હતું. આ અદ્ભુત ઐતિહાસિક ઘટના બાદ અકબરના દબાણને વશ ન થતા આ બહાદુર બહેનોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી, જેની યાદમાં વર્ષ ૨૦૦૩થી આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
આ બે દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને વિશેષ બેઠક મળી હતી, જેમાં ઉત્સવની તમામ તૈયારીઓ અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડનગરમાં ૫૫૦ વર્ષ પૂર્વે નાગરો દ્વારા શરૂ થયેલી શાસ્ત્રીય સંગીતની આ પરંપરા આજે પણ એટલી જ જીવંત છે અને તાના-રીરી મહોત્સવના માધ્યમથી આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલો આ મહોત્સવ હવે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની ગયો છે, જેમાં જોડાવા માટે દેશભરમાંથી સંગીત પ્રેમીઓ વડનગર ખાતે ઉમટી પડે છે.
આગામી ૧૯ નવેમ્બરના રોજ યોજાનાર પ્રથમ દિવસે કુ. સૂર્યા ગાયત્રી, પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ, વિદ્વાન કુમારેશ રાજગોપાલન અને હાર્દિક જ જેવા ખ્યાતનામ કલાકારો પોતાની કલાના જોહર બતાવશે. જ્યારે મહોત્સવના બીજા દિવસ એટલે કે ૨૦ નવેમ્બરે પંડિત જયતીર્થ મેવુન્ડી, પંડિત પૂર્વાયન ચેટર્જી અને વૃંદ તેમજ ભૌમિક શાહની ટીમ પોતાની સુરીલી પ્રસ્તુતિથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે. વડનગરની ધરા પર ગુંજવાના આ સંગીતના સુર માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી, પરંતુ તે ભારતીય નારીઓની વીરતા, સંગીત સાધના અને બલિદાનની ગાથાને સદીઓ સુધી જીવંત રાખવાનું એક ઉત્તમ માધ્યમ બન્યા છે.
