બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ના 'પૂ' અને 'રોહન'ના કિરદાર આજે પણ દર્શકોના દિલમાં તાજા છે. કરીના કપૂર ખાનનો ગ્લેમરસ અંદાજ અને હૃતિક રોશનનો મસ્ત મૌલા સ્વભાવ દર્શકોને હંમેશાં યાદ રહ્યા છે. તાજેતરમાં પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોતા જ ફેન્સ જૂની યાદોમાં ખોવાઈ ગયા છે. આ વીડિયોમાં બંને કલાકારો પોતપોતાના એ જ આઇકોનિક અંદાજમાં નજરે પડી રહ્યા છે, જેને જોઈને બોલિવૂડ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.
વીડિયોમાં કરીના કપૂર એકવાર ફરી 'પૂ'ના અંદાજમાં મેકઅપ કરતી અને પોતાના લાલ સેન્ડલ તથા ખાસ સ્ટાઇલ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે, જ્યારે હૃતિક રોશન પણ પોતાના જૂના રોહનના લુકમાં ચમકી રહ્યા છે. કરણ જોહરે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે કેટલીક કહાનીઓ 25 વર્ષ પછી પણ ખતમ થતી નથી. આ વીડિયોના અંતમાં આગામી 19 નવેમ્બર 2026 ની તારીખ દર્શાવવામાં આવી છે, જેના કારણે ફેન્સમાં આ તારીખે કંઈક વિશેષ થવાની ભારે આતુરતા જોવા મળી રહી છે. જો કે, વીડિયોના અંતમાં 'Airbnb' નો લોગો પણ નજરે ચડ્યો છે, જેનાથી અટકળો લગાવી રહી છે કે આ કોઈ બ્રાન્ડ પ્રમોશન કે જાહેરાતનું અભિયાન હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કરીના અને હૃતિક છેલ્લે વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'મૈં પ્રેમ કી દીવાની હૂં'માં સાથે મોટા પડદા પર જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ બંનેને આ રીતે સાથે જોઈને ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે શું આ કોઈ નવી ફિલ્મ છે કે પછી કોઈ ખાસ બ્રાન્ડ માટેનું કોલાબોરેશન છે. આ વીડિયો ભલે કોઈ મોટી ફિલ્મની જાહેરાત ન હોય, પરંતુ બે દાયકા કરતાં વધુ સમય પછી આ સુપરહિટ જોડીને ફરી સ્ક્રીન પર સાથે જોવી એ દર્શકો માટે કોઈ મોટી ભેટ સમાન ચોક્કસ છે.
