કનેક્ટિકટના રહેવાસી ડૉ. મેરી મર્રે અને વકીલ જેફરી મેન્ટે તેમના છ બાળકો સાથે વેકેશન માણવા માટે અમેરિકાના અત્યંત મોંઘા ટાપુ નેનટકેટમાં ૧૪.૧૦ લાખ ડૉલરના ખર્ચે બે બેડરૂમનું એક નાનું કોટેજ ખરીદ્યું હતું. આ પરિવારમાં કુલ આઠ સભ્યો હોવાથી આટલી નાની જગ્યા અપૂરતી હતી, પરંતુ પ્રોપર્ટી ખરીદતા પહેલા રિયલ એસ્ટેટ એજન્ટ મેલાની ગૌવેને તેમને ખાતરી આપી હતી કે મકાનનું કદ બમણું કરી શકાશે અને તે માટે મકાન વિભાગની મંજૂરી પણ મળી જશે. એજન્ટે આ અંગે રેખાચિત્રો પણ બનાવી આપ્યા હતા અને નવા રૂમોને ડેન તરીકે દર્શાવીને સ્થાનિક નિયમોમાંથી રસ્તો કાઢી શકાય તેવું સૂચન કર્યું હતું, જેના પર વિશ્વાસ રાખીને દંપતીએ આ સોદો આખરી કર્યો હતો.
પરંતુ પ્રોપર્ટી ખરીદ્યા બાદ વર્ષ ૨૦૨૧ના પ્રારંભમાં જ્યારે આ દંપતીએ મકાનમાં બાંધકામ અને સેપ્ટિક અપગ્રેડ માટે તંત્રનો સંપર્ક કર્યો, ત્યારે તેમને ખબર પડી કે કાનૂની જોગવાઈઓ અને સખત ડીડ રેસ્ટ્રિક્શનના કારણે આ મકાનમાં એક ઇંચનું પણ વિસ્તરણ કરવું અશક્ય છે. આ મોટી છેતરપિંડી સામે આવી જતાં પરિવારે નોર્ફોક સુપેરિયર કોર્ટમાં બ્રોકર અને ફર્મ સામે બેદરકારી, ખોટી માહિતી આપવા અને ગ્રાહક સુરક્ષા ધારાના ભંગ બદલ કાનૂની કેસ દાખલ કર્યો હતો. વર્ષ ૨૦૨૬માં જ્યુરી અને જજ ઇરા ગાન્ટે આ મારો ચુકાદો આપતા એજન્ટની મુખ્ય ભૂલ ગણીને વ્યાજ અને કાનૂની ખર્ચ સહિત કુલ ૧૨,૮૦,૮૮૬ ડૉલરનું માતબર વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ લાંબી કાનૂની લડાઈ અને ચુકાદા છતાં આ પરિવારે ભારે આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે કારણ કે અગાઉ તેમણે આ કોટેજ ૧૯.૫ લાખ ડૉલરમાં વેચી દીધું હતું અને વધતા બજારભાવને કારણે ૩૧ લાખ ડૉલરમાં બીજું મોટું મકાન ખરીદવા માટે નિવૃત્તિ ફંડમાંથી લોન લેવી પડી હતી. સામે પક્ષે બ્રોકરેજ ફર્મ અને એજન્ટે આ ચુકાદા સામે અપીલ દાખલ કરી છે અને દલીલ કરી છે કે ખરીદદારોને ડીડ સંબંધિત દસ્તાવેજો સોદા અગાઉ મળી ગયા હતા અને બે વકીલોએ તેની ચકાસણી પણ કરી હતી. આમ છતાં, આ કાનૂની વિવાદે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એજન્ટો દ્વારા અપાતી ખોટી ખાતરીઓ અને ગ્રાહકોના અધિકારો અંગે એક મોટો દાખલો બેસાડ્યો છે.
