શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન, રાજકોટ) દ્વારા આપવામાં આવેલી ખગોળીય અને પંચાંગની ગણતરી મુજબ, સંવત ૨૦૮૩ના વર્ષમાં કુલ પાંચ ગ્રહણોનો યોગ બની રહ્યો છે. વર્ષના પ્રારંભે તા. ૦૬-૦૨-૨૦૨૭ના રોજ પોષ વદ અમાસના શનિવારે મકર રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ સર્જાશે. આ ગ્રહણ ભારતમાં દ્રશ્યમાન નહીં હોય, તેથી તેના ધાર્મિક નિયમો કે વેધ દેશમાં લાગુ પડશે નહીં, પરંતુ તે આર્જેન્ટિના, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા જેવા વિસ્તારોમાં જોવા મળશે. આ ઉપરાંત, તા. ૨૦-૦૨-૨૦૨૭ના રોજ મહા સુદ પૂનમે માંદ્ય (છાયા) ચંદ્રગ્રહણ થશે, જે પણ ભારતમાં નજરે પડવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી.
વર્ષ દરમિયાન આવનાર અન્ય ગ્રહણોમાં તા. ૧૮-૦૭-૨૦૨૭ના રોજ અષાઢ સુદ પૂનમે વધુ એક માંદ્ય ચંદ્રગ્રહણ થશે. આ છાયા ચંદ્રગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દેખાશે પરંતુ તે માત્ર છાયા સ્વરૂપનું હોવાથી શાસ્ત્ર અનુસાર તેના કોઈ ખાસ ધાર્મિક નિયમો કે વેધ પાળવાના રહેતા નથી. ત્યારબાદ, તા. ૧૭-૦૮-૨૦૨૭ના રોજ શ્રાવણ સુદ પૂનમે પાંચમું અને વર્ષનું છેલ્લું માંદ્ય ચંદ્રગ્રહણ થશે, જે ભારતમાં ક્યાંય પણ જોવા મળશે નહીં અને તે મુખ્યત્વે બ્રાઝિલ, અમેરિકા, કેનેડા તથા ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રદેશોમાં જ નજરે પડશે.
સંવત ૨૦૮૩ના આ તમામ ગ્રહણો પૈકી સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો માટે તા. ૦૨-૦૮-૨૦૨૭ના રોજ અષાઢ વદ અમાસ અને સોમવારે થનારું ખગ્રાસ સૂર્યગ્રહણ જ સૌથી મહત્વનું રહેવાનું છે. કર્ક રાશિ તેમજ પુષ્ય અને આશ્લેષા નક્ષત્રમાં થનારું આ સૂર્યગ્રહણ ભારતના મોટાભાગના પ્રદેશોમાં ખંડગ્રાસ સ્વરૂપે દેખાશે. બપોરે ૧:૦૦ વાગ્યાથી શરૂ થઈને સાંજે ૬:૧૩ વાગ્યા સુધી ચાલનારા આ સૂર્યગ્રહણના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધાર્મિક દ્રષ્ટિએ વેધ અને ગ્રહણના તમામ નિયમોચુસ્તપણે પાળવાના રહેશે. આ ગ્રહણ ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, સ્પેન, યુરોપ અને આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળશે.
