બ્રિટનના પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહામની કમર્શિયલ કંપની ડીબી વેન્ચર્સ અને બ્યુટી ગ્રૂપ કોટી વચ્ચેની દાયકા જૂની ભાગીદારી હવે કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. વર્ષ ૨૦૦૫માં શરૂ થયેલી આ ભાગીદારી અંતર્ગત બેકહામના નામથી ૩૦ થી વધુ પ્રકારના પરફ्यूम અને ટોઈલેટરીઝનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. ૨૦૧૬માં થયેલા કરાર મુજબ સાત ટકા રોયલ્ટી અને માત્ર મંજૂર કરાયેલા રિટેલર્સ દ્વારા જ ઉત્પાદનોના વેચાણના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ, તાજેતરમાં બેકહામના પરફ्यूम બ્રિટનના 'પાઉન્ડલેન્ડ' અને એક ગેસ સ્ટેશનના બાર્ગેન બિનમાં વેચાતા જોવા મળતા ભારે હોબાળો મચ્યો છે.
ડીબી વેન્ચર્સના વકીલોના જણાવ્યા અનુસાર, અધિકૃત ચેનલો ઉપરાંત અન્ય નીચા સ્તરના સ્ટોર્સમાં પરફ्यूमના વેચાણથી બેકહામની દાયકાઓથી મહેનતથી ઊભી કરેલી લક્ઝરી બ્રાન્ડની છબીને ગંભીર આઘાત અને નુકસાન પહોંચ્યું છે. કંપનીનો આરોપ છે કે કોટીએ આશરે ૨૪ મિલિયન ડોલરની કિંમતના ઉત્પાદનો ગેરકાયદેસર રીતે બજારમાં વહેંચ્યા છે. આ ઉપરાંત, કોટીએ નેટ વેચાણની રકમમાં ૧૨૩ મિલિયન ડોલર છુપાવ્યા હોવાનો અને તેના કારણે અંદાજે ૬ મિલિયન ડોલરની રોયલ્ટી ચૂકવી ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને કુલ ૪૧ મિલિયન ડોલરનું વળતર માંગવામાં આવ્યું છે.
બીજી બાજુ, પરફ्यूम વિતરક કંપની કોટીએ આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે અને ન્યૂયોર્કની કોર્ટમાં આ કેસ ફગાવી દેવાની અરજી કરી છે. કોટીનું એવું માનવું છે કે ડીબી વેન્ચર્સ આગામી સમયમાં અન્ય પાર્ટનર 'ઇન્ટરપર્ફુમ્સ' સાથે નવો કરાર કરવા માંગતી હોય, આ કેસ માત્ર જૂનો કરાર સમય પહેલાં તોડવા માટેનું એક બહાનું અને દાવપેચ માત્ર છે. હાલ આ મામલો ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને બંને પક્ષો પોતપોતાની કાનૂની દલીલો પર અડગ છે, જેનાથી ભવિષ્યની બિઝનેસ ભાગીદારી પર પણ મોટા સવાલો ઊભા થયા છે.
