કચ્છની સંવેદનશીલ સરહદ પર સુરક્ષા દળોએ વધુ એક વખત પોતાની અદભુત સતર્કતા અને મુકસ્મીક કમાન્ડબિલિટીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભુજ સેક્ટર અંતર્ગત આવતી કચ્છ બોર્ડર પર સરહદ સુરક્ષા દળ (BSF) ની 90મી બટાલિયનના જવાનો હાજીપીર નજીક આવેલા સરહદી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ અને ફરજ પર તૈનાત હતા. આ દરમિયાન બોર્ડર પિલર નંબર 1109/M ની આસપાસના વિસ્તારમાં એક અજાણ્યો શખ્સ ભારતીય સીમામાં શંકાસ્પદ રીતે ઘૂસણખોરી કરી રહ્યો હોવાનું જવાનોના ધ્યાને આવ્યું હતું. સુરક્ષાના મામલે ક્યારેય કોઈ ક્ષતિ ન રાખનાર બીએસએફના જવાનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્વરિત અને સચોટ કાર્યવાહી હાથ ધરી હતી.
જવાનોએ આ શંકાસ્પદ વ્યક્તિને અટકાવવા માટે તાત્કાલિક પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સૂચનાઓને અવગણીને અટકવાને બદલે સતત આગળ વધી રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને સતર્ક જવાનોએ ભારે કુશળતા પૂર્વક આંતરરાષ્ટ્રીય સરહદની ફેન્સિંગથી આશરે 20 મીટરના અંતરે જ તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો અને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પકડાયા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પ્રાથમિક પૂછપરછ અને ઓળખ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તેનું નામ ચાંદ મહમંદ (ઉંમર આશરે 40 વર્ષ) હોવાનું બહાર આવ્યું છે. આ કાર્યવાહીથી સરહદ પર ઘૂસણખોરીના કોઈપણ નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળો હંમેશા કેટલા સજ્જ છે તેની પ્રતીતિ થાય છે.
ઝડપાયેલા શખ્સની હાલત અને તેની હરકતો અત્યંત દયનીય અને શંકાસ્પદ જણાઈ આવી હતી. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેના શરીર પર માત્ર એક ફાટેલો શર્ટ જ હતો અને તે ભારે ગભરાયેલી તેમજ અસ્થિર હાલતમાં જોવા મળ્યો હતો. તે સતત પાણીની માંગણી કરી રહ્યો હતો અને અસંબંધિત વાતો બબડી રહ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે બીએસએફના જવાનો દ્વારા તેની સઘન તલાશી લેવામાં આવી હતી, પરંતુ સદનસીબે તેની પાસેથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. તેની શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ અસ્વાભાવિક વર્તનને જોતા આ શખ્સ માનસિક રીતે અસ્વસ્થ હોવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, છતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામેલ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
