કેરએજ રેટિંગ્સના તાજેતરના અહેવાલ મુજબ, સામાન્ય રીતે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન શિયાળાની 'ફ્લશ સિઝન'માં દૂધનું ઉત્પાદન વધતું હોય છે અને ખરીદ ખર્ચ ઘટતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ વિપરીત છે. પશુઓનું ઘાસચારો, કેટલ ફીડ, પ્રોસેસિંગ, પેકેજિંગ અને લોજિસ્ટિક્સના ઊંચા ખર્ચને કારણે અમૂલ અને મધર ડેરી સહિતની અગ્રણી ડેરી કંપનીઓએ મે મહિનામાં વધારા બાદ નવેમ્બરમાં ફરીથી પ્રતિ લિટર ૨ થી ૬ રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૭માં અત્યાર સુધીમાં કુલ ૪ થી ૮ રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે, જેના કારણે સેટ થઈ રહેલા છૂટક બજારના ભાવમાં ગ્રાહકો પર આર્થિક બોજ સતત વધતો જોવા મળી રહ્યો છે.
દૂધના આ સતત વધતા ભાવો પાછળ પુરવઠાની મર્યાદાઓ અને જૈવિક ઉત્પાદન ચક્ર મુખ્ય કારણો છે, જેના કારણે દર ત્રણથી ચાર વર્ષે ઉત્પાદનમાં વધઘટ જોવા મળે છે. આ ઉપરાંત, કેટલાક પ્રદેશોમાં દૂધમાં ફેટનું પ્રમાણ ઘટવું અને સ્કિમ્ડ મિલ્ક પાવડર (SMP) તથા બટરના ઇન્વેન્ટરી બફરનું પ્રમાણ ઓછું હોવાથી વૈશ્વિક અને સ્થાનિક બજારમાં કિંમતો ઊંચી રહી છે. ઇન્ટરનેશનલ એસએમપીના ભાવ પણ વાર્ષિક ધોરણે ૩૬ ટકા વધીને આશરે ૩,૮૫૦ ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે, જેના કારણે આગામી સમયમાં પણ ડેરી પ્રોડક્ટ્સના ભાવ ઊંચા જ રહેવાની પૂરી શક્યતા છે.
આ પડકારો વચ્ચે પણ ડેરી ઉદ્યોગ ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે મોટા પાયે રોકાણ કરી રહ્યો છે. દેશની અગ્રણી સરકારી અને ખાનગી ડેરી કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૭ થી ૨૦૨૯ દરમિયાન મૂલ્યવર્ધિત ઉત્પાદનો, કોલ્ડ ચેઈન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કેપિટલ એક્સપેન્ડિચર (Capex) ની જાહેરાત કરી છે. જો કે, નિષ્ણાતોના મતે માત્ર પ્રોસેસિંગ ક્ષમતા વધારવા કરતાં પશુપાલકો પાસેથી દૂધનું પૂરતું નેટવર્ક અને પુરવઠો સુરક્ષિત કરવો એ કંપનીઓ માટે સૌથી મોટો પડકાર સાબિત થશે.
