સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે ભક્તોની અવિરત ભીડ જોવા મળી હતી. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાના દરબારમાં વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો હતો. આજના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજનદેવને અત્યંત આકર્ષક એમ્બ્રોઇડરી વર્ક કરેલા દિવ્ય વાઘા અને રંગબેરંગી ફૂલોની દિવ્ય ડિઝાઈનથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને હજારો ભક્તો ધન્ય બન્યા હતા.
આધ્યાત્મિક ઉત્સાહથી ભરપૂર આ પવિત્ર દિવસે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ સવારે ૦૭: કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના વરદ્ હસ્તે શણગાર આરતી સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં આવેલા શ્રી હરિ મંદિરમાં ધવલકુમારજી અને અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં સંગીતમય શ્રી સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
દુરા દૂરથી પધારેલા હરિભક્તોને દર્શનનો લહાવો અવરોધ વિના મળી રહે તે માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો માટે સરળ દર્શનની સાથેસાથે મહાપ્રસાદ અને વાહન પાર્કિંગની પણ સુદ્રઢ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. દાદાના અલૌકિક શણગાર અને સુંદરકાંડના પાઠના આ સુંદર ત્રિવેણી સંગમથી સમગ્ર સાળંગપુરધામ 'જય કષ્ટભંજનદેવ'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.
