બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની જુનાડીસા ગ્રામ પંચાયત હાલમાં લાખો રૂપિયાની ગ્રાન્ટના વિવાદને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પંચાયતમાં વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવેલી રૂ. 18 લાખની રોયલ્ટી ગ્રાન્ટની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી હોવાની ચોંકાવનારી રજૂઆતો સામે આવી છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પંચાયતનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને નાણાકીય વ્યવહારોમાં કોઈ મોટી ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ગ્રાન્ટની આ રકમ કઈ પ્રક્રિયા હેઠળ અને કોની મંજૂરીથી ઉપાડવામાં આવી તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે સૌથી મોટું રહસ્ય પંચાયતના તત્કાલીન તલાટી અવિનાશ રાવની શંકાસ્પદ ગેરહાજરી અને રેકર્ડ ગાયબ હોવાને લઈને છે. નિયમ મુજબ તલાટીની બદલી થાય ત્યારે પંચાયતનો તમામ હિસાબી અને વહીવટી રેકર્ડ નવા જવાબદાર અધિકારીને સોંપવાનો હોય છે, પરંતુ અહીં તલાટી અવિનાશ રાવની અન્યત્ર બદલી થઈ ગયા બાદ પણ જૂનો રેકર્ડ નવા તલાટી એસ.એ. મન્સુરીને સોંપવામાં આવ્યો નથી. નવા તલાટી દ્વારા આ અંગે વારંવાર પેરવી કરવા છતાં કોઈ દસ્તાવેજો કે રેકર્ડ ઉપલબ્ધ ન થતા આખરે તેમણે ડીસા તાલુકા પંચાયતમાં લેખિત રિપોર્ટ કરીને સત્તાવાર જાણ કરી છે.
રેકર્ડ સમયસર ન સોંપાવાના કારણે હાલમાં જુનાડીસા ગ્રામ પંચાયતનું સામાન્ય વહીવટી કામકાજ ઠપ થઈ ગયું છે અને ગ્રામજનોના આવશ્યક કામો પણ અટવાઈ પડ્યા છે. ગ્રામજનોમાં એવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે કે 18 લાખની ગ્રાન્ટમાં થયેલી કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે જ જાણી જોઈને રેકર્ડ ગાયબ કરી દેવામાં આવ્યો છે. હવે ડીસા તાલુકા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ આ લેખિત રિપોર્ટના આધારે કેવા પ્રકારના પગલાં ભરે છે અને ફરાર તલાટી સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, તેમજ આ તપાસ બાદ જ 18 લાખની ગ્રાન્ટના સાચા રહસ્ય પરથી પડદો ઉતરશે.
