અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત એસજી હાઈવે પર વાહનવ્યવહારને સરળ બનાવવા અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાના હેતુથી ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધી એક નવો ભવ્ય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જનહિત અને સુવિધા માટે તૈયાર કરાયેલા આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજ શરૂ થયાના થોડા જ સમયમાં તેની એન્જિનિયરિંગ અને બાંધકામની પોલ ખુલ્લી પડી ગઈ છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા સામાન્ય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ બ્રિજ પર વાહન ચલાવવું એ હાલમાં મુસાફરો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે કારણ કે રોડનું લેવલ અને પોલિશિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. પરિણામે, બ્રિજ પરથી પસાર થતી ગાડીઓ ઉબડખાબડ રસ્તા પર સતત ઉછળી રહી છે, જે વાહનોને નુકસાન પહોંચાડવાની સાથે ડ્રાઇવિંગ પણ મુશ્કેલ બનાવે છે. માત્ર રસ્તાની અસમતલ સપાટી જ નહીં, પરંતુ બ્રિજની સુરક્ષા વ્યવસ્થામાં પણ મોટી બેદરકારી નજરે ચડે છે. બ્રિજની રેલિંગ વચ્ચે અસુરક્ષિત રીતે મોટા ગેપ છોડી દેવામાં આવ્યા છે, જ્યારે વરસાદી પાણીના નિકાલ માટેના હોલ પર જાળી ન લગાવાતા ત્યાં વાહનોના ટાયર ફસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
વધુમાં, બ્રિજ પર સતત પથરાયેલી નાની કાંકરીઓને કારણે ટુ-વ્હીલર ચાલકોનું સંતુલન બગડવાની અને ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતાઓ વધી ગઈ છે. આટલા મોટા આર્થિક ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો અને તંત્રની આંખ આટલી મોટી ક્ષતિઓ સામે કેમ મિલાવાઈ નથી તે એક મોટો પ્રશ્ન છે. હવે કોઈ મોટી માનવુર્ઘટના ઘટે તે પહેલાં સબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.
