એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને વોટ્સએપ પર લોકેશન મોકલતા જ ત્વરિત સફાઈ કરવાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ હેરિટેજ સિટી ગણાતા કોટ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ અત્યંત દયનીય અને કમનસીબ છે. ધના સુથારની પોળમાં આવેલા બાપુ મહેતાના ચોકઠામાં છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી નાની ગટર ચોકઅપ થઈને સતત ઉભરાઈ રહી છે. આ ગટરના ગંદા અને દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યા છે તેમજ સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો, વેપારી વર્ગ અને ત્યાં આવતા શ્રદ્ધાળુઓનું જીવન નરક સમાન બની ગયું છે. તંત્રની આ પ્રકારની ઉદાસીનતાને લઈને જનમાનસમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
આ ગટરની ગંદકી અને અસહ્ય વાસની સીધી અસર ધાર્મિક અને લોકઉપયોગી સેવાઓ પર પણ જોવા મળી છે. ગટર ઉભરાતી હોય તે જગ્યાની એક બાજુ પવિત્ર જૈન ઉપાશ્રય આવેલું છે અને બીજી બાજુ સરકારી સસ્તા અનાજની દુકાન આવેલી છે. ઉપાશ્રયમાં ગંદકી અને વાસ એટલી હદે વધી ગઈ કે ત્યાં બિરાજમાન સાધ્વીજીઓને નાછૂટકે પોતાનું સ્થાન છોડીને અન્યત્ર વિહાર કરવાની ગંભીર ફરજ પડી છે. વળી, સસ્તા અનાજની દુકાનમાં પણ ગટરના ગંદા પાણી ફરી વળતા ગરીબો અને જરૂરિયાતમંદો માટે ફાળવવામાં આવેલું અનાજ પલળીને બગડી ગયું છે, જેના કારણે લોકહિતના કાર્યોને પણ મોટો ફટકો પડ્યો છે.
સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્પલાઇન નંબર પર અંદાજે 15 થી 20 વખત ફરિયાદો નોંધાવવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ જમીન પર જસની તસ છે. નવાઈની વાત તો એ છે કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કે સ્થળ તપાસ કરવાને બદલે રહીશોને જાણ સુદ્ધાં કર્યા વિના જ ઓટોમેટિક રીતે ફરિયાદો બંધ કરી દેવામાં આવે છે. પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતા વહીવટી તંત્રની આ પ્રકારની બેજવાબદાર કામગીરી સામે હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે કાયમી નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
